યુએસ-ઇરાન તણાવ વચ્ચે સોનું ₹42,000ની સપાટી પાર

January 07, 2020

અમદાવાદ:યુએસ-ઇરાન વચ્ચે વીતેલા સપ્તાહાંતે ઊભી થયેલી તંગદિલી પાછળ સોનાના ભાવમાં ઉછાળો નોંધાઈ ગયો છે. શનિવારે ₹800નો  સુધારો દર્શાવનાર પીળી ધાતુમાં સોમવારે વધુ ₹1,000નો ઉછાળો નોંધાયો હતો અને હાજર બજારમાં સોનાના ભાવ ₹42,000ની સપાટીને પાર કરી ગયા હતા. વૈશ્વિક બજારમાં સોનું 30 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ જેટલું ઊછળી 1,575 ડોલરે પહોંચ્યું હતું.

દિવસ દરમિયાન તેણે 1,588 ડોલરની ટોચ દર્શાવી હતી. આમ, પશ્ચિમ એશિયામાં છવાયેલાં યુદ્ધનાં વાદળોને કારણે સોનાએ જુલાઈ મહિનામાં જોવા મળેલી 1,546 ડોલરની છ વર્ષની ટોચને સરળતાથી પાર કરી હતી. યુએસે ઇરાનના જનરલની ડ્રોન હુમલામાં હત્યા કર્યા બાદ બંને દેશ વચ્ચે ઉગ્ર નિવેદનો થઈ રહ્યાં છે. જેમાં ઇરાને યુએસ પ્રમુખ ટ્રમ્પના શિર માટે 8 કરોડ ડોલરનું ઇનામ પણ જાહેર કર્યું છે. સામાન્ય રીતે નબળા આર્થિક ડેટાની પ્રતિક્રિયા રૂપે તેમજ જિયોપોલિટિકલ રિસ્ક ઊભું થાય ત્યારે સોનામાં લેવાલી જોવા મળતી હોય છે.