સોનાના વાયદાના ભાવમાં રૂ.૧,૫૪૯, ચાંદીમાં રૂ.૮,૫૧૩નું સાપ્તાહિક ધોરણે ગાબડું

September 27, 2020

નવી દિલ્હી : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સ્ચેન્જ મલ્ટિ કોમોડિટી એક્સ્ચેન્જ (એમસીએક્સ) પર ૧૮થી ૨૪ સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૫૪૯ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ. ૮,૫૧૩ ગબડયો હતો. તાંબા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ એકંદરે ઘટી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં ઘટાડો હતો, જ્યારે નેચરલ ગેસ વધીને બંધ થયું હતું. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ), મેન્થા તેલ અને કપાસમાં સાર્વત્રિક નરમાઈ સામે રૂ (કોટન)ના વાયદામાં સુધારો વાયદાના ભાવમાં થયો હતો.

સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૬,૧૭૬ ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં ૧૬,૧૯૧ અને નીચામાં ૧૫,૧૦૭ના મથાળે અથડાઈ, ૧,૦૮૪ પોઇન્ટની મૂવમેન્ટ સાથે ૨૩ સપ્ટેમ્બરે ૮૪૨ પોઇન્ટ ઘટી ૧૫,૨૫૪ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન બુલડેક્સ ફ્યૂચર્સમાં ૧૪,૬૭૬ સોદાઓમાં કુલ રૂ.૧,૩૩૧.૧૭ કરોડનાં ૧૭,૧૮૪ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે ૪૨૦ લોટ્સના સ્તરે રહ્યો હતો.  સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧,૫૫૯ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. ૫૧,૮૪૯ અને નીચામાં રૂ. ૪૯,૨૪૮ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૧,૫૪૯ (૩.૦૧ ટકા)ના ઘટાડા સાથે રૂ. ૪૯,૯૦૪ના સ્તરે બંધ થયો હતો.  ગોલ્ડ-ગિનીનો સપ્ટેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ. ૪૧,૬૮૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૫૭૯  (૩.૮૦ ટકા)ની નરમાઈ સાથે રૂ. ૩૯,૯૭૫ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો સપ્ટેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૨૨૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૯૬ (૩.૭૬ ટકા) ઘટી બંધમાં રૂ.૫,૦૨૧ના ભાવ થયા હતા.