અલવિદા રાજુ : PMથી લઈ CM યોગીએ શ્રદ્ધાંજલિ પાઠવી, AIIMSમાં 42 દિવસ સારવાર ચાલી હતી

September 21, 2022

નવી દિલ્હી   : આજે એટલે કે 21 સપ્ટેમ્બરના રોજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે નવી દિલ્હીની AIIMS હોસ્પટિલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ 10 ઓગસ્ટથી વેન્ટિલેટર પર હતા. આ 42 દિવસમાં તેમની તબિયતમાં ઉતાર-ચઢાવ આવ્યો હતો. ડૉક્ટરે એકવાર તેમને બ્રેન ડેડ પણ જાહેર કર્યા હતા. જોકે, પછીથી તેમની તબિયત સુધારા પર હતી. અલબત્ત, રાજુને બ્રેનમાં ઓક્સિજન પહોંચતો નહોતો અને તેથી જ તેઓ બેભાન હતા. રાજુના મલ્ટિપલ ઓર્ગન ફેઇલ્યોર થયા હતા. રાજુના અવસાનના સમાચાર આવતા જ બોલિવૂડ-ટીવી ઇન્ડસ્ટ્રી તથા રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. સો.મીડિયા યુઝર્સે પણ રાજુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજુના અંતિમ સંસ્કાર આવતીકાલે નવી દિલ્હીમાં જ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજુ શ્રીવાસ્તવના અવસાન પર શોક પ્રગટ કરીને કહ્યું હતું કે પરિવાર પ્રત્યે તેમની સાંત્વના છે. સમાજવાદી પાર્ટીની ચીફ અખિલેશ યાદવે પણ શોક પ્રગટ કર્યો હતો. તેમણે કહ્યું હતું, 'આજે આપણે તેમને ગુમાવી દીધા. તેમનામાં દરેકને પોતાની ભાષાથી કમ્યુનિકેટ કરવાની ટેલન્ટ હતી.'