ગૂગલના કર્મચારીઓ જૂન, ૨૦૨૧ સુધી ઘરેથી કામ કરશે

July 29, 2020

કેલિફોર્નિયા : ગૂગલ પોતાના બે લાખ કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો પૈકી મોટા ભાગના કર્મચારીઓ અને કોન્ટ્રાકટરોને આગામી વર્ષ જૂન સુધી ઘરેથી જ કામ કરવા જણાવ્યું છે. ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ પોતાના કર્મચારીઓને ઇ-મેઇલ દ્વારા આ અંગેની જાણ કરી છે.

ગૂગલ અને તેની પિતૃક કંપની આલ્ફાબેટના સીઇઓને કર્મચારીઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કંપનીના આ નિર્ણયથી કર્મચારીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળશે. હું એ વાતની ખાતરી કરવા માગુ છું કે તમારી તમારી જાતની સંભાળ લઇ રહ્યાં છો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ૧૧ માર્ચે કોરોનાને મહામારી જાહેર કરી તે પહેલા  જ ગૂગલ અને અન્ય નામાંકિત ટેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા જણાવી દીધું હતું.

અગાઉ જાન્યુઆરી,૨૦૨૧થી કર્મચારીઓને ઓફિસમાં બોલાવવાની ગૂગલની યોજના હતી પણ કોરોનાનું સંક્રમણ યથાવત રહેતા જૂન, ૨૦૨૧ સુધી કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાનું જણાવવામાં આવ્યું છે.

પિચાઇના જણાવ્યા અનુસાર ગૂગલ અને આલ્ફાબેટે ૪૨ દેશોમાં કેટલીક ઓફિસો શરૃ કરી છે. જૂન, ૨૦૨૧ સુધી ઘરેથી કામ કરવાના નિર્ણયની અસર ગૂગલના પેરોલ પર કામ કરતા ૧,૨૩,૦૦૦ કર્મચારીઓ અને ૮૦,૦૦૦ કોન્ટ્રાકટરોને થશે.