ગુજરાતના એરપોર્ટ હાઇ એલર્ટ પર:ગુજરાતમાં યુકે, દક્ષિણ આફ્રિકા, યુરોપ, બ્રાઝિલ, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડથી આવનારા પ્રવાસીઓનો એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ ફરજિયાત

November 27, 2021

અમદાવાદ : દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા મલ્ટીપલ મ્યૂટેશન કોરોના વેરિયન્ટને લઈને વિશ્વભરના દેશો ભયભીત થઈ ગયા છે, જેથી ભારતમાં પણ સરકારે તમામ એરપોર્ટને વિદેશથી આવનારા મુસાફરોની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જણાવવામાં આવ્યું છે કે તેઓ યુકે, યુરોપ, બ્રાઝિલ, બાંગ્લાદેશ, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, બોત્સવાના અને ઇઝરાયેલથી આવનારા પ્રવાસીઓની સંપૂર્ણ તપાસ કરે. આ અંગે ગુજરાતના આરોગ્ય વિભાગે પણ એરપોર્ટ પર 11 દેશોમાંથી આવનારા પ્રવાસીઓનો RTPCR ટેસ્ટ ફરજિયાત કરવા આદેશ આપી દીધો છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે કે વિદેશથી આવનારા દરેક પ્રવાસીનો એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ ફરજિયાતપણે કરવાનો રહેશે. એ ઉપરાંત જે મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવે એ દરેક કેસનું સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ફરજિયાતપણે મોકલવાનું રહેશે. બીજી તરફ, ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે, જેમાં ગુજરાત સરકારે આફ્રિકન દેશોને પહેલેથી જ આમંત્રણ પાઠવી દીધું છે. વાઈબ્રન્ટ સમિટમાં આવનારા ડેલિગેટ્સ સહિતના સ્ટાફ માટે એરપોર્ટ પર જ ટેસ્ટિંગ સહિતના પ્રોટોકોલ અને તકેદારીનો ચુસ્ત અમલ કરાશે.