PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની ગુજરાત ATSએ યુપીથી ધરપકડ કરી

November 28, 2022

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીની ઉત્તર પ્રદેશના બદાયુથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ઈ-મેલ દ્વારા ધમકી આપી હતી. આરોપીએ ઈ-મેલમાં કથિત રીતે લખ્યું હતું કે, પીએમ મોદીને RDXથી ઉડાવી દઈશું. ગુજરાત ATSએ આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત ATS કથિત ધમકીભર્યા ઈ-મેલનું લોકેશન ટ્રેસ કરીને આરોપી સુધી પહોંચી હતી. 
પ્રાપ્ત માહિતી પ્રમાણે ATS દ્વારા ધરપકડ કરાયેલ આરોપી બદાયુના આદર્શ નગર વિસ્તારનો રહેવાસી છે. ગુજરાત ATS શનિવારની રાત્રે ઈ-મેલને ટ્રેસ કરતી આદર્શ નગર પહોંચી અને આરોપીની ધરપકડ કરી હતી. 
પ્રાપ્ત માહિતી પ્રમાણે બદાયુના વરિષ્ઠ અધિક્ષક ઓપી સિંહે જણાવ્યું કે, સ્થાનિક પોલીસે આરોપી સુધી પહોંચલવામાં ગુજરાત ATSની મદદ કરી છે. આરોપીના પિતાએ ચોંકાવનારી માહિતી આપી છે. બદાયુના આદર્શ નગરમાં જ રહેનારા આરોપી અમન સક્સેનાના પિતા સુભાષ સક્સેનાએ જણાવ્યું કે, પીએમઓમાં ઈ-મેલ મોકલામાં તેના પુત્રની સાથે દિલ્હીની એક છોકરી પણ સામેલ છે. છોકરી અમનની મિત્ર છે અને તેના પુત્રનો મોબાઈલ તે છોકરી પાસે જ છે 
સુભાષ સક્સેનાએ જણાવ્યું કે, તેણે તેના એકમાત્ર પુત્ર અમનને તેના ખરાબ વર્તનને કારણે કાઢી મૂક્યો છે. આ સંબંધમાં થોડા મહિના પહેલા અખબારમાં એક જાહેરાત આપવામાં આવી હતી. પુત્રએ IIT મુંબઈમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો તેણે થોડા દિવસ નોકરી પણ કરી હતી પરંતુ હવે તે માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો છે.