ગુજરાતના મંત્રી બાવળિયાની શાળામાં વિદ્યાર્થિનીએ ખાધો ગળેફાંસો, આપઘાત કરવાનું કારણ અકબંધ

January 24, 2023

રાજકોટ: વિંછીયાની આદર્શ સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થીનીએ આપઘાત કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વિંછીયાના અમરાપરમાં આવેલી મંત્રી કુંવરજી બાવળિયાની આદર્શ સ્કૂલમાં વિદ્યાર્થીની અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી હતી. પરંતુ કોઈ કારણોસર વિદ્યાર્થીનીએ વૃક્ષ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની વિગત ખૂલી છે. ધોરણ 10 માં અભ્યાસ કરતી કાજલ જોગરજીયા એ આપઘાત કર્યો છે. આપઘાત કરવાનું કારણ અકબંધ છે. વિંછીયા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સોમવાર રાત્રે વિંછીયામાં આવેલ મંત્રી કુંવરજી બાવળિયાની આદર્શ સ્કૂલ કેમ્પસમાં ધો.10મા અભ્યાસ કરતી કાજલબેન મુકેશભાઈ જોગરાજીયા નામની વિદ્યાર્થીનીએ વૃક્ષ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો હતો. આ ઘટનાની જાણ સ્કૂલ સત્તાધીશોને થતાં તાત્કાલિક દોડી જઇ વિદ્યાર્થિને નીચે ઉતારી હતી, પરંતુ ત્યાં સુધીમાં વિદ્યાર્થીનીનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.