ગુજરાત મ્યુનિ. ચૂંટણી: 6 મનપાનું મતદાન પૂર્ણ, 6 વાગ્યા સુધીમાં સરેરાશ 41 ટકા જ વોટિંગ, સૌથી ઓછું અમદાવાદ

February 21, 2021

અમદાવાદઃ રાજ્યમાં આજે 6 મનપાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ,વડોદરા, સુરત,રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા લાઈનમાં જોવા મળ્યા હતા. સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. જો કે કોરોનાને કારણે ધીમું મતદાન થઈ રહ્યું હતું. જેને કારણે રાજકીય પક્ષો મતદાન વધારવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું.
6 મનપામાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન 37 ટકા જ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ મતદાન જામનગરમાં 49 ટકા મતદાન નોંધાયું છે.
સુરત અને વડોદરામાં પણ મોટી સંખ્યામાં મતદારો આવી રહ્યા છે. છેલ્લી એક કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં અને ભાવનગરમાં 5 ટકા મતદાન થયું છે, ત્યારબાદ વડોદરા 4 ટકા, સુરત 4 ટકા, રાજકોટ 3 ટકા, જામનગર 3 ટકા મતદાન થયું છે. રાજકોટની કે.જી. ધોળકીયા સ્કૂલના મતદાનમથક પર રુમ નં. 4માં EVMમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ હરસોડાનું બટન બગડવાનું સામે આવતા ચૂંટણી અધિકારીને ફરીયાદ કરતા મતદાન અટકાવાયું.
રાજકોટ અને વડોદરામાં આપના કાર્યકરો સામ સામે આવતા મામલો ગરમાયો હતો. જ્યારે અમદાવાદના મેઘાણીનગરના ભગવતી વિદ્યાલય પાસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી જતા બોલચાલી થઈ હતી. મેઘાણીનગર પોલીસ અને એસીપી સહિતનો કાફલો દોડી આવ્યો અને લોકોને દૂર કર્યા હતા. તેમજ ધારાસભ્ય બલરામ થાવાણી પણ દોડી ગયા હતા.
સપ્તપદીના સાત ફેરા ફરવા માટે જાન લઇને જઇ રહેલા વડોદરાના યુવાને મતદાનનો પોતાનો અધિકાર પૂરો કર્યો હતો. આઇ.ટી. કંપનીમાં સેલ્સ માર્કેટીંગમાં નોકરી કરતા યુવાનની સાથે તેના માતા-પિતા, ભાઇ-ભાભી સહિત જાનમાં જનાર અન્ય કુટુંબીજનોએ પવિત્ર મતદાનના અધિકારને પૂરો કર્યો હતો. જ્યારે અમદાવાદના થલતેજમાં લગ્ન અગાઉ વરરાજા અને જાનૈયાઓ પણ મતદાન કર્યું છે. જ્યારે અસારવામાં પણ વરરાજાએ મતદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળ્યા હતા. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા 75 વર્ષની ઉંમરે પગમાં ચાલવાની તકલીફ હોવા છતાં તેઓ રીક્ષા કરી અને બાપુનગર ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે મતદાન કરવા આવ્યા હતા.