ગુજરાત પોલીસે ચાર દિવસમાં કોવિડ-19ની ગાઈડલાઈન્સનું પાલન ન કરવા બદલ લોકો પાસેથી 2.66 કરોડનો દંડ વસૂલ્યો

April 07, 2021

અમદાવાદ : ગુજરાત પોલીસે 4 દિવસોમાં કોવિડ-19ની ગાઈડલાઈન્સ મુજબ, માસ્કના નિયમનું ઉલ્લંઘન અને જાહેરમાં થૂંકવા બદલ નાગરિકો પાસેથી 2.66 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. PTI મુજબ બુધવારે ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી હતી. આ રિપોર્ટ મુજબ, 2 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન માસ્કના નિયમનું ઉલ્લંઘન કરનારા લોકો પાસેથી દંડ પેટે 1000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલી રિપોર્ટ મુજબ, રાજ્યમાં કોવિડ-19થી સંબંધિત ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવા બદલ 2 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન રોજના એવરેજ 6600 લોકોને દંડ કરાયો હતો. અધિકારીના કહેવા મુજબ, માસ્કના નિયમનું ઉલ્લંઘન કરીને ફરતા અને જાહેરમાં થૂંકનારા 26761 લોકો પાસેથી આ 4 દિવસમાં 2.66 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલાયા છે.

રિપોર્ટ મુજબ, એડમિનિસ્ટ્રેશન દ્વારા કોરોનાને ફેલાતો રોકવા માટે અપાયેલા આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા 1300 લોકો સામે IPCની સેક્શન 188 હેઠળ ફરિયાદ પણ આ ચાર દિવસ દરમિયાન નોંધવામાં આવી છે. જ્યારે કોવિડ-19 સંબંધિત નિયમો તોડનારા અને ગાઈડલાઈન્સનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા 2410 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. ઉપરાંત ચાર મુખ્ય શહેરો, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કર્ફ્યૂના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 2373 વાહનો જપ્ત કરવામાં આવેલા છે.