પેરા ટેબલ ટેનિસમાં ગુજરાતીનો ડંકો! ભાવિના પટેલે મેડલ પાક્કો કર્યો, ફાઈનલમાં પહોંચી

August 05, 2022

બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં વધુ એક ભારતીય મેડલ પાક્કો થઈ ગયો છે. ગુજરાતી ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસની મહિલા સિંગલ્સ (વર્ગ 3-5)માં આ મેડલને પાક્કો કર્યો છે. તેણે આ સ્પર્ધાની સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની સુ બેલીને હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.

ભાવિનાએ ઈંગ્લિશ પેરા પ્લેયરને 11-6, 11-6, 11-6થી એકતરફી હરાવીને પોતાનો સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો હતો. અગાઉ, ભાવિનાએ તેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ એકતરફી જીત નોંધાવી હતી. તેણીએ ફિજીની અકાનીસી લાટુને 11-1, 11-5, 11-1થી હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભાવિના પટેલ સૌપ્રથમ 2011માં થાઈલેન્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપથી ચર્ચામાં આવી હતી. તેણે પેરા ટેબલ ટેનિસની ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. ત્યારબાદ, વર્ષ 2013માં તેણે એશિયન પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો. તે અહીં રોકાઈ નહોતી. ત્યારબાદ, તેણે ફરી એકવાર 2017 માં એશિયન પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો. આ વખતે ભાવિનાને બ્રોન્ઝ મળ્યો હતો.


ગયા વર્ષની ટોક્યો પેરાલિમ્પિક્સ તેમના કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધિ હતી. અહીં તેણે પેરા ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ (ક્લાસ-4)માં સિલ્વર મેડલ જીત્યો. તે હાલમાં શાનદાર લયમાં છે. આ વર્ષની શરૂઆતમાં તેણે પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં વર્ગ-4નો ખિતાબ જીત્યો હતો.