લોકડાઉનમાં ગુજરાતીઓએ 21 હજાર કરોડની બચત કરી

September 28, 2020

કોરોના ક્રાઇસિસ વચ્ચે પણ ગુજરાતીઓએ બેન્ક થાપણો તેમજ બચતોને એન્કેશ કરવાના બદલે ઇમર્જન્સી ફંડને ધ્યાનમાં રાખીને બચતોમાં 21 હજાર કરોડની વૃદ્ધિ નોંધાવી છે. માર્ચ ક્વાર્ટરમાં ગુજરાતની બેન્કોમાં ડિપોઝિટ 7.60 લાખ કરોડની હતી, જે જૂન ક્વાર્ટરમાં વધીને 7.81 લાખ કરોડ થઈ ગઈ છે. એનઆરઆઇ ડિપોઝિટ પણ વધી રૂ. 7500 કરોડની વૃદ્ધિ સાથે રૂ. 3.60 લાખ કરોડ નોંધાઈ છે.

દેશમાં સેવિંગ રેશિયો (બચત)ની દૃષ્ટિએ પાવરધા ગણાતા ગુજરાતીઓએ કોરોના મહામારી જેવી કટોકટીના સમયમાં પણ બચતમાં વૃદ્ધિ કરી છે. કોરોના વાઇરસ મહામારીમાં નોકરિયાત વર્ગની બચતમાં અવશ્યપણે સામાન્ય ઘટાડો આવ્યો છે, પરંતુ તેની સામે 70 ટકાથી વધુ લોકોએ ઈમર્જન્સી ફંડ, મેડિકલ અને અન્ય બીજી જરૂરી ચીજો માટે બચતને પ્રાધાન્ય આપતા થયા છે. મંદી, મહામારી, અને લૉકડાઉનને કારણે લોકોની બચત સામાન્ય ઘટી છે.

અનિશ્ચિતતાથી લકઝરી ખર્ચાઓ બંધ થઇ ગયા છે. 70% લોકો ઈમરજન્સી ફંડ બનાવી રહ્યા છે. ગત વર્ષે 32%એ ઈમરજન્સી ફંડ બનાવ્યું હતું. 47% લોકો ભણતર-રિટાયરમેન્ટ માટે બચત કરી રહ્યા છે.

બીઓબીના ડીજીએમએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે સામાન્ય લોકો આર્થિક સંક્રમણનો સામનો કરી રહ્યા છે. સતત વધી રહેલી બીમારીને ધ્યાનમાં રાખી કપરા સમયમાં પણ સેવિંગ્સ ડિપોઝિટમાં ધીમી ગતિએ વધારો નોંધાયો છે. આર્થિક સમૃદ્ધિમાં ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે તો માત્ર ને માત્ર લોકોની બચતવૃતિના કારણે. ભલે ફિક્સ ડિપોઝિટના વ્યાજદર ઘટવા લાગ્યા હોય, પરંતુ આકસ્મિક ખર્ચને તરત જ પહોંચી વળવા માટે એફડી જ કામ આવે છે. આ ઉપરાંત જે અકાઉન્ટ કોવિડ પૂર્વે નિષ્ક્રિય હતાં એ પણ ઓપરેટ થવા લાગ્યાં છે.

પોસ્ટ ઓફિસ એજન્ટ બિપિન પૂજારાએ કહ્યું હતું કે પોસ્ટ સેવિંગ્સમાં 4 ટકા, 1-5 વર્ષની બચત પર 5.5 -6.70 ટકા વ્યાજ છે. સિનિયરને 7.40 ટકા વ્યાજ મળે છે, એથી ખાતાંની સંખ્યા વધી છે.