આ દિવસો જોવા માટે રજવાડા સોંપ્યા ? કોરોનામાં ભાવનગરની સ્થિતી જોઇ યુવરાજની વ્યથા!

April 11, 2021

ભાવનગર : યુવરાજ જયવીરરાજસિંહે હાલની કોરોનાની લોકોની સ્થિતિ અંગે ફેસબુક પર પોતાની લાગણી વ્યક્ત કરી વ્યથા ઠાલવી હતી. તેઓએ લખ્યું હતું કે, નેતાઓને એવો કોઈ હક્ક નથી કે એ લોકોના જીવ જોખમમાં મૂકે. તેઓએ લોકોને જવાબ આપવો જોઈએ અને જે પ્રજા માટે કામ ન કરી શકે એવા નેતાઓએ રાજીનામુ આપવું જોઈએ. જયવીરરાજસિંહ હાલમાં રાજવી પરિવારના યુવરાજ છે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પૌત્ર છે. 


ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને ભારતમાં સૌ પ્રથમ પોતાનું રાજ્ય પ્રજાની સુખાકારી માટે સોંપ્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજીના શબ્દો હતા " મારી પ્રજા નું કલ્યાણ થાજો" આ બલિદાનની અને પ્રજાના કલ્યાણની ભાવના આજે પણ તેઓની યાદ અપાવે છે. જ્યારે હાલની પરિસ્થિતિ અલગ છે, શહેર કોરોના મહામારી થી પીડાઈ રહ્યું છે એવા સમયમાં રાજકીય નેતૃત્વની ખામી જોવા મળી રહી છે. ભાવનગરમાં પ્રજાને સારી રીતે મેડિકલ સુવિધા મળી રહે એ માટે મહારાજાએ સર તખ્તસિંહજી હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું હતું.