Happy Birthday Virat Kohli: જાણો કોહલીના 5 'વિરાટ' રેકોર્ડ વિશે

November 05, 2022

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 5 નવેમ્બર શનિવારના રોજ પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022માં ટીમનો પૂર્વ કેપ્ટન શાનદાર ફોર્મમાં છે. તેણે અત્યાર સુધી રમેલી ચાર ઈનિંગ્સમાં 145ની આસપાસના સ્ટ્રાઇક રેટથી 220 રન બનાવ્યા છે. તેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે અને તે ત્રણેય વખત અણનમ પણ રહ્યો હતો.

સચિન તેંડુલકર સાથે કોહલીને ભારતના અત્યાર સુધીના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક તરીકે ગણવામાં આવે છે. માસ્ટર બ્લાસ્ટરે 200 ટેસ્ટ, 463 ODI અને એક T20I માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ત્રણ ફોર્મેટમાં કુલ 34,357 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ બેટ્સમેનના સૌથી વધુ રન છે. કોહલીની વાત કરીએ તો, તેણે 102 ટેસ્ટ, 262 ODI અને 113 T20I ઈનિંગ્સમાં કુલ 24,350 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે.