રાજવી ઠાઠ છોડીને પણ વર્ષે કરોડો કમાશે હેરી અને મેગન!

January 11, 2020

કેલિફોર્નિયા : બ્રિટિશ રાજવીકુળના પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન મર્કેલે રાજવી ઠાઠ છોડીને સામાન્ય જીવન જીવવાનો નિર્ણય લીધો છે. તેઓ આર્થિક રીતે પગભર થવા માટે રાજવીકુળ છોડવા તૈયાર થયા છે. તેમણે પોતાનો નિર્ણય જાહેર કર્યો તેના કારણે રાજવી પરિવારનું વાતાવરણ ડોહળાયું છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પ્રિન્સ હેરીએ પોતાના મોટા ભાઈ પ્રિન્સ વિલિયમ્સ સાથેના સંબંધો પણ બદલાઈ ગયા હોવાના સંકેત આપ્યા હતા. ત્યાર બાદ વિલિયમ્સની પત્ની કેટ મિડલટનના ૩૮મા જન્મદિવસની ઉજવણી બાદ તરત જ પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગને આટલો મોટો નિર્ણય જાહેર કરી દીધો છે.

મહત્ત્વની વાત એ છે કે, તેઓ આર્થિક રીતે પગભર થવા અને આત્મનિર્ભર થવાની વાતો કરે છે પણ વાસ્તવિકતા તેનાથી કંઈક જોજનો દૂર છે. તેઓ તાત્કાલિક પોતાનું રાજવીકુળ અને પદ છોડી શકે તેમ નથી અને સામાન્ય જીવન પસાર કરી શકે તેમ નથી. તેઓ કદાચ બ્રિટન છોડીને કેલિફોર્નિયા કે પછી કેનેડેમાં સેટલ થાય તો પણ વર્ષે કરોડો રૂપિયા તેમની પાછળ ખર્ચ થવાનો જ છે. તેમના પ્રવાસ અને સુરક્ષાના ખર્ચનો બોજો બ્રિટનની જનતા ઉપર પડવાનો જ છે. બ્રિટિશ કરદાતાઓ તરફથી રાજવી પરિવારને ૮૨ મિલિયન પાઉન્ડ મળે છે તેમાંથી કેટલીક રકમ આ યુગલ પાછળ ખર્ચાય છે. તેઓ અહીંયાથી જાય તો પણ વર્ષે કરોડોની કમાણી કરવાના છે અને એક દાયકામાં તો વિશ્વના સૌથી વધુ આવક ધરાવતા યુગલ પણ બની જશે તેવું જાણકારોનું માનવું છે.

આ દંપતીએ જણાવ્યું હતું કે મહિનાઓ સુધી વિચાર્યા બાદ અમે અમારી ભૂમિકા બદલીશું અને અમે અમારી રીતે આર્થિક જવાબદારીઓ ઉઠાવીશું. અમે યુનાઇટેડ કિંગ્ડમ અને નોર્થ અમેરિકા વચ્ચે અમારા સમયની સમતુલા જાળવવાનું ઠરાવ્યું છે. અમે અમારા જીવનના હવે પછીના પડાવ પર ધ્યાન પણ આપી શકીશું, જેમ કે હવે અમે અમારી ચેરિટેબલ સંસ્થાને લોન્ચ કરીશું. જોકે હવે સવાલ એ છે કે મેગન અમેરિકાની છે અને તે અમેરિકા પાછી ફરીને એક્ટિંગની કારકિર્દી ફરી શરૂ કરશે? શાહી પરિવારનો હિસ્સો હોવાથી મેગન એક્ટિંગ કરી શકતી નહોતી પણ એ સ્ટેટસ છોડી દીધા બાદ એ મુક્ત છે. આ દંપતી એક ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કરવા માગે છે. એવું જણાય છે કે તેઓ મહિલા સશક્તીકરણ, આફ્રિકાની વાઇલ્ડલાઇફનું જતન, માનસિક રોગોની સારવાર માટે સારી સુવિધાઓ પૂરી પાડવા માટેનાં કામ અને પર્યાવરણના મુદ્દે કામ કરશે.