ભારે વરસાદના પગલે નદીમાં ઘોડાપૂર, અમરેલી-રાજુલા ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થતાં જળબંબાકારની સ્થિતિ

May 18, 2021

અમદાવાદ : તાઉ-તે વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં વિનાશ નોતર્યા બાદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેના પગલે અમરેલી-રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે અને હિંડોરણા ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ડેમ ઓવરફ્લો થવાા કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદમાંથી પસાર થયા બાદ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ જશે. ગાંધીનગરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ પ્રમાણે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું 'તાઉ'તે' વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે,

તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. ઉત્તર ગુજરતામાં ખાસ કરીને કડી, મહેસાણા,માણસા, સિદ્ધપુર, વડનગર અને અંબાજીમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

મનોરમા મોહંતીએ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે 'તાઉ'તે' વાવાઝોડું હાલ અમરેલી અને બોટાદની વચ્ચે છે. જે કલાકના 7 કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને ૪૦ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે.

વાવાઝોડું પસાર થઇ રહ્યું છે ત્યાં તારાજી સર્જી રહ્યું છે. અમરેલીના રાજુલામમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે મોટાભાગના માર્ગો બંધ થયા હોવાના અહેવાલ છે. ગઈકાલે દીવ વણાકબોરીમાં વાવાઝોડું ટકરાયું ત્યારે તેમા પવનની ગતિ 165થી 170 કિ.મીની હતી જે હવે બોટાદની પસાર કરી અમદાવાદ તરફ આગળ વધતા તેની ગતિ 100 કિ.મીની થઈ ગઈ છે. હજી પણ પવનની ગતિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.