હસરંગાની પાંચ વિકેટ, આરસીબીએ હૈદરાબાદને 67 રને પરાજય આપ્યો

May 08, 2022

મુંબઈઃ ફાફ ડુ પ્લેસિસ (73*) અને હસરંગા (18 રનમાં પાંચ વિકેટ) ના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-2022ની 54મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 67 રને પરાજય આપી પ્લેઓફની દાવેદારી મજબૂત કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 20 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 125 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આરસીબીની આ સાતમી જીત છે અને તેના 14 પોઈન્ટ થઈ ગયા છે. 
આરસીબીએ આપેલાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન કેન વિલિયમસન પ્રથમ બોલ પર રનઆઉટ થયો હતો. તો અભિષેક શર્માને ગ્લેન મેક્સવેલે શૂન્ય રન પર બોલ્ડ કરી આરસીબીને બીજી સફળતા અપાવી હતી. 


હૈદરાબાદે પાવરપ્લેમાં બે વિકેટે 39 રન બનાવ્યા હતા. એડન માર્કરમ 21 રન બનાવી હસરંગાનો શિકાર બન્યો હતો. નિકોલસ પૂરન 19 રન બનાવી આઉટ થયો હતો. સુચિથે 2, શશાંક સિંહે 8, કાર્તિક ત્યાગીએ 0 અને ઉમરાન મલિક પણ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો.  આરસીબીના સ્ટાર સ્પિનર વાનિન્દુ હસરંગાએ શાનદાર બોલિંગ કરી હતી. હસરંગાએ 4 ઓવરમાં 1 મેડન સાથે 18 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. 


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત ખરાબ રહી હતી. આ સીઝનમાં ખરાબ ફોર્મ સામે સંઘર્ષ કરી રહેલ વિરાટ કોહલી ઈનિંગના પ્રથમ બોલ પર સુચિથનો શિકાર બન્યો હતો. કોહલી હૈદરાબાદ સામે સતત બીજીવાર ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.