કેનેડામાં હેટ ક્રાઈમ વધ્યા : ભારતીયો સાવધ રહે

September 24, 2022

નવી દિલ્હી : કેનેડામાં હેટ ક્રાઈમ, વંશીય હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત ઘટનાઓમાં વધારો થયો છે. એવામાં ત્યાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને સાવધાની રાખવવા સલાહ આપવામાં આવે છે તેમ વિદેશ મંત્રાલયે શુક્રવારે એક એડવાઈઝરીમાં જણાવ્યું હતું. વિદેશ મંત્રાલય અને કેનેડામાં ભારતીય હાઈકમિશને ત્યાંના તંત્ર સમક્ષ આ ઘટનાઓનો મુદ્દો ઉઠાવ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવા આગ્રહ કર્યો છે. ભારતના નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જાહેર કરતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, કેનેડામાં હેટ ક્રાઈમ, વંશીય હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે. આવા ગૂનાઓ કરનારાઓને કેનેડામાં હજુ સુધી ન્યાયના કઠેડામાં ઊભા કરાયા નથી. કેનેડામાં ભારતીય મૂળના અંદાજે ૧૬ લાખ લોકો વસવાટ કરે છે. આ સિવાય ભારતીય મૂળના ૧૭ સાંસદ અને ત્રણ કેબિનેટ મંત્રી છે, જેમાં સંરક્ષણ મંત્રી અનીતા આનંદનો સમાવેશ થાય છે. ઉપરાંત ભારતીયોમાં હવે શિક્ષણ માટે અમેરિકાના બદલે કેનેડાનું આકર્ષણ વધ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, કેનેડામાં આવા ગુનાઓના વધતા કેસોને જોતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ તથા ત્યાં પ્રવાસ-શિક્ષણ માટે જતા ભારતીયોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે, કેનેડામાં ભારતથી ગયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ ઓટ્ટાવામાં ભારતના હાઈકમિશન અથવા ટોરોન્ટો અને વાનકુંવરમાં કોન્સ્યુલેટ જનરલનો તેમની સંબંધિત વેબસાઈટ્સ અથવા મદદ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. 
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ દ્વારા નોંધણી કરાવવાથી ભારતીય હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલ માટે ઈમર્જન્સી અથવા જરૂરિયાતના સમયમાં તેમનો વધુ સારી રીતે સંપર્ક કરવો સુલભ થશે. કેનેડામાં કથિત 'ખાલિસ્તાની જનમત સંગ્રહ' અંગે ભારતીય નાગરિકોએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે, મિત્ર દેશમાં જ કટ્ટરપંથી તત્વોને રાજકારણ પ્રેરિત આવી પ્રવૃત્તિઓની મંજૂરી અપાય છે તે ખૂબ જ આપત્તિજનક છે. આ ઘટનાના બીજા દિવસે ભારતીય વિદેશ મંત્રાલયે આ એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે ભારતે કેનેડીયન ઓથોરિટી સમક્ષ ડિપ્લોમેટિક ચેનલ મારફત 'ખાલિસ્તાની જનમત સંગ્રહ'નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કથિત ખાલિસ્તાની જનમત સંગ્રહને બનાવટી કવાયત ગણાવી હતી. કેનેડાએ ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાનું સન્માન કરવાની વાત કરી છે, પરંતુ એક મિત્ર દેશમાં કટ્ટરવાદી તત્વોને રાજકારણથી પ્રેરિત આવી પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી અપાય તે ખૂબ જ વાંધાજનક છે તેમ તેમણે ઉમેર્યું હતું.
હકીકતમાં આ સમગ્ર ઘટના પાકિસ્તાન પ્રાયોજિત ખાલીસ્તાની તત્વોને પ્રોત્સાહન આપવા અંગે છે. કેનેડાના બ્રામ્પ્ટનમાં જે દિવસે કથિત ખાલિસ્તાની જનમત સંગ્રહ કરાયો હતો તે દિવસે પાકિસ્તાન કોન્સલ જનરલ જનબાઝ ખાને વાનકુંવરમાં બે ખાલીસ્તાની સમર્થક ગુરુદ્વારાનો પ્રવાસ કર્યો હતો. કેનેડામાં ખાલિસ્તાની સમર્થક તત્વોની પ્રવૃત્તિઓ તાજેતરના વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોમાં અવરોધરૂપ બની છે. આ સિવાય થોડાક દિવસ પહેલાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓએ ટોરોન્ટોના એક હિન્દુ મંદિર પર ભારત વિરોધી પોસ્ટરો લગાવવાની ઘટના પણ સામે આવી હતી. ભારતે આ ઘટનાને ધૃણાસ્પદ ગૂનો ગણાવી કેનેડિયન અધિકારીઓને આરોપીઓ વિરુદ્ધ ત્વરીત કાર્યવાહી કરવા આગ્રહ કર્યો હતો. કેનેડાના ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, કેનેડાના ખાલિસ્તાની કટ્ટરવાદીઓ દ્વારા ટોરોન્ટોના હિન્દુ મંદિરમાં ભારત વિરોધી પોસ્ટરો લગાવવાની ઘટનાની બધાએ ટીકા કરવી જોઈએ. દેશમાં આ માત્ર એક ઘટના નથી. કેનેડાના હિન્દુ મંદિરોને તાજેતરના સમયમાં આ પ્રકારના અનેક હેટ ક્રાઈમનો સામનો કરવો પડયો છે.