રૂ.૬,૭૩,૭૩૬ કરોડના બજારમૂલ્ય સાથે HDFC દેશની નંબર વન બેન્ક

October 23, 2020

નવી દિલ્હી : માર્કેટ કેપિટલાઇઝેશનના મોરચે ટોચની ત્રણ બેન્કોમાં એક પણ જાહેર ક્ષેત્રની(પીએસયુ) બેન્ક નથી અને ટોચની ૧૦ બેન્કોની ગણતરી કરવામાં આવે તો પણ તેમાં ફક્ત બે જાહેર ક્ષેત્રની બેન્કોનો સમાવેશ થાય છે. એસીઈ ઈક્વિટીએ બજાર મૂલ્ય અને વર્ષની શરૂઆતથી અત્યાર સુધીના દેખાવના સંદર્ભમાં દેશની ટોચની ૧૦ બેન્કોની યાદી તૈેયાર કરી છે. એચડીએફસી બેન્ક ૬,૭૩,૭૩૬ કરોડ રૂપિયાના બજાર મૂલ્ય સાથે દેશની નંબર એક બેન્ક બની છે. ખાનગી ક્ષેત્રની જ ICICI બેન્ક રૂપિયા ૨,૮૫,૯૦૪ કરોડના બજાર મૂલ્ય સાથે દેશની બીજા ક્રમની સૌથી મોટી બેન્ક બની છે. અને ત્રીજા ક્રમ પર પણ ખાનગી ક્ષેત્રની બેન્ક કોટક મહિન્દ્રા બેન્ક છે.

દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કનું બજાર મૂલ્ય રૂપિયા ૧,૧૮,૧૧૭૦ કરોડ છે. ઘણી બધી બેન્કોનું તેમાં વિલિનિકરણ થયું છે તે પછી તેનું કદ વધ્યું છે. તેનો ક્રમ ટોચની ૧૦ બેન્કોમાં આવે છે અને તેની સાથે ફક્ત અન્ય પીએસયુ બેન્ક પીએનબી જ આ યાદીમાં સ્થાન ધરાવે છે. એસબીઆઈનો ક્રમ ચોથો છે જ્યારે પીએનબીનો ક્રમ ૧૦મો છે.