પાકિસ્તાનમાં હિન્દુ સંગઠને કહ્યું- જો યુએઇ જેવો મુસ્લિમ દેશ મંદિર બનાવી શકે તો પાક. કેમ નહીં?

September 22, 2020

ઈસ્લામાબાદ : પાકિસ્તાનમાં હિન્દુ કાઉન્સિલે મંદિરોની ઉપેક્ષા અંગે કટ્ટરપંથીઓ પર નિશાન તાક્યું હતું. કાઉન્સિલના પદાધિકારી બેઠકમાં એ વાત પર સંમત થયા કે મંદિર હિન્દુ સમુદાયની જરૂરિયાત છે. આ મામલાને નકારી ના શકાય. બેઠક પછી કાઉન્સિલ સાથે સંકળાયેલા સાંસદ લાલચંદ માલ્હી અને એક્ટિવિસ્ટ કૃષ્ણા શર્માએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

માલ્હીએ કહ્યું હતું કે ઈસ્લામાબાદમાં મંદિર બનાવવા નવાઝ શરીફ સરકારે જમીન આપી હતી. વિરોધી એ વાત પર વાંધો દર્શાવે છે કે મુસ્લિમ કરદાતાઓના પૈસા હિન્દુઓનાં મંદિરો પાછળ કેમ ખર્ચાય? અમારો સવાલ એ છે કે શું હિન્દુ પાકિસ્તાનમાં ટેક્સ ચૂકવતા નથી? સરકારે ગત 70 વર્ષમાં મંદિરોના નિર્માણ પાછળ પૈસા ખર્ચ કર્યા નથી. વિરોધીઓનો બીજો વાંધો એ છે કે ઈસ્લામિક દેશોમાં હિન્દુ મંદિર ન બનવા જોઈએ. એનો જવાબ એ છે કે જ્યારે યુએઇ જેવો ઈસ્લામિક દેશ મંદિર બનાવી શકે છે તો પાકિસ્તાનમાં કેમ નહીં?

શર્માએ કહ્યું હતું કે ઈસ્લામાબાદમાં 3 હજાર હિન્દુ રહે છે. એમાંથી મોટા ભાગના સિંધ, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાથી આવ્યા છે. આ લોકોએ ત્યાં ઉપેક્ષા અને અન્યાયનો સામનો કર્યો છે. મંદિરનો મામલો રાજકીય નહીં, સામાજિક છે. અમે મુસ્લિમ ભાઈઓ અને તેમનાં સંગઠનોની વાત સાંભળવા તૈયાર છીએ. ઈસ્લામાબાદમાં હિન્દુઓનાં લગ્ન અને તહેવારો માટે પણ જગ્યાની જરૂર છે. ઈસ્લામાબાદમાં મંદિર બનવાથી પાકિસ્તાનની છબિ દુનિયા સમક્ષ સુધરશે. ખાસ કરીને જ્યારે ભારતમાં મોદીસરકાર લઘુમતીઓ માટે સારાં કામ કરી રહી છે.