આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની જાહેરાત, સુરતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થતા લેવાયો નિર્ણય, નવી સિવિલ સુપિ.ની બદલી

April 06, 2021

સુરતમાં કોરોના વિસ્ફોટ થતાં સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ બની છે. સુરત શહેરમાં કાર્યરત 108ની તમામ 28 એમ્બ્યુલન્સ કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલ ખસેડવાના કામે લગાડી દેવાઈ છે. જેને પગલે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સતત એમ્બ્યુલન્સના ઢગલા લાગેલા જોવા મળી રહ્યા છે. હાલ સુરતની હાલત ગંભીર સ્થિતિ પર આવીને ઉભી રહી ગઈ છે. જેના પગલે આખી ગુજરાત સરકાર જાણે આજે સુરતમાં આવી પહોંચી હોવાનો માહોલ સર્જાયો છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ સુરતમાં છે અને રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ પણ ત્યાં પહોંચી રહ્યા છે.

આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણ બેકાબૂ થતા ધડાધડ નિર્ણયો લેવાયા છે. સુરતમાં જયંતિ રવિએ કલેક્ટરથી લઈને પાલિકા કમિશનર, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે. મીટિંગ પહેલા સુરતની હાલતને જોતા આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ સુરત માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું છે કે, 24 કલાકમાં સુરતમાં 1000 નવા બેડ તૈયાર કરાશે. મનપા કમિશનર, કલેક્ટર સાથે જયંતિ રવિની બેઠક ચાલી રહી છે.

હાલ જાણવા મળી રહ્યું છે કે, બપોર બાદ 3 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આરોગ્ય સચિવ જયંતિ રવિની મીટીંગમાં પહેલી જાહેરાત કરાઈ છે. જેમાં સુરતમાં વધતા કોરોના દર્દીઓ માટે હોસ્પિટલની વ્યવસ્થા કરાશે. 1 હજાર બેડની સગવડ વાળી હોસ્પિટલ સિવિલમાં તૈયાર છે. જેમાં 24 કલાકમા અન્ય એક હજાર બેડનો ઉમેરો કરવામાં આવશે. સુરતમાં વધતા કોરોનાને ધ્યાને લઇ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.