આરોગ્ય સચિવ જયંતિ રવિ, મિલિન્દ તોરવણે સુરત પહોંચ્યા

July 01, 2020

સુરતમાં કોરોનાના કેસની સંખ્યા ૪૭૦૦ને પાર કરી જતા રાજય સરકારે વરિષ્ઠ અધિકારીઓની ફોજ સુરત મોકલી છે. ત્રણ નિવૃત આઇએએસ અધિકારીને ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટી તરીકે મુકયા બાદ રાજયના આરોગ્ય સચીવ જંયતી રવિ અને પાલિકાના કમિશનર રહી ચુકેલા મિલીન્દ તોરવણેએ આજે સુરતમાં બેઠકો યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બંને અધિકારીઓે ચાર દિવસ સુરતમાં ધામા નાખશે. સુરતમાં ગંભીર દર્દની સંખ્યા વધતા સરકારે ૧૦૦ વેન્ટીલેટર આપવાની જાહેરાત કરી છે.


રાજયના આરોગ્ય સચીવ જંયતિ રવીએ આજરોજ સુરતમાં તબીબો તથા પાલિકાના ઉચ્ચ અધિકારીઓે સાથે બેઠક યોજી હતી. શ્રેણીબધ્ધ બેઠકો બાદ તેમણે જણાવ્યું હતું કે અનલોક વનમાં કેસો વધવાના ઘણા કારણો છે. હીરા ઉધોગમાં રત્ન કલાકારો સાથે બેસીને કામ કરતા હોવાથી સંક્રમણ વધ્યું છે.


હીરા ઉધોગમાં ગીચતાને કારણે ચેપનો ફેલાવો થયો છે. સોશ્યલ ડીસ્ટન્સીગના અભાવે કેસો વધ્યા છે. લોકો વધુ પ્રમાણમાં સંક્રમીત નહી થાય એ માટે સાત દિવસ માટે એકમો બંધ કરાવાયા છે. આરોગ્ય સચીવે જણાવ્યું હતું કે શહેરમાં કેસો વધે તેમ બેડની સુવિધા વધારવામાં આવી છે. ૧૦૦ વેન્ટીલેટર સુરત આવી રહ્યા છે.


દર્દીને સારવાર પુરી પાડવા માટે સરકારી કે ખાનગી હોસ્પીટલમા ઓકસીજન કે વેન્ટીલેટરની કોઇ અછત નથી. નવી દિલ્હીથી નવા વેન્ટીલેટર આવતા સુરતને ફાળવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. ખાનગી હોસ્પીટલમાં વધારે ચાર્જીસ લેવાતા હોવાની ફરિયાદ અંગે તેમણે કહ્યું હતું કે કોઇ ચોકકસ કેસની ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.