વેક્સિનેશનનાં ખરા સમયે હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓ કામ પર લાગ્યા

January 25, 2021

કોરોના મહામારીમાં આરોગ્યનાં કર્મચારીઓએ પોતાની કેટલીક પડતર માગોને લઈને હડતાળનું રણશિંગુ ફૂક્યું હતું. સમગ્ર રાજ્યમાં પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ 12 જાન્યુઆરીથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા. જેના કારણે દર્દીઓ હાલાકીમાં મૂકાયા હતા અને આરોગ્ય સેવાઓ પર માઠી અસર થઇ પરંતુ હવે આરોગ્ય કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી છે. DyCM નીતિન પટેલ સાથેની મુલાકાત બાદ આરોગ્ય કર્મચારીઓએ પોતાની હડતાળ સમેટી લીધી છે.

આ પહેલા કોરોના મહામારી દરમિયાન જ આરોગ્યના કર્મચારીઓની હડતાળથી ઉલઝન વધી જવા પામી હતી. આરોગ્યના કર્મચારીઓની તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઈઝની જગ્યાઓ અપગ્રેડ કરવી, છઠ્ઠા પગારપંચ મુજબનો ગ્રેડ પે, ફિમેલ હેલ્થ વર્કરના બદલે ફિમેલ હેલ્થ આસિટન્ટ નામાભિધાન કરવા સહિતની 13 જેટલી માગણીઓ છે જે વણઉકલેલી હતી. જેને લઇ રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને કોરોના વેક્સિન લેવાથી પણ ઇન્કાર કર્યો હતો. સાથે જ કોરોના વેક્સિનેશનમાં કામગીરીથી પણ તેઓ અળગા રહ્યા હતા.

આ પડતર માગોને લઈને આરોગ્યના કર્મચારી હડતાલ પર ઉતરી ગયા હતા. આ હડતાલના પગલે ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગની વહીવટી કામગીરી લકવાગ્રસ્ત થઈ જવા પામી હતી. પરંતુ હવે રાજ્યના આરોગ્ય કર્મીઓની હડતાળ પૂર્ણ થતા ગુજરાત સરકારે રાહતન શ્વાસ લીધો છે.