સમગ્ર ભારતમાં ગરમીનું જોર : રાજસ્થાનનું બાડમેર 48.1 ડિગ્રી સાથે સાૈથી ગરમ

May 14, 2022

દેશભરના મેદાની રાજ્યોમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. તેમાં પણ રાજસ્થાન અને તેના રણપ્રદેશોમાં પારો 50 ડિગ્રી તરફ રોકેટ ગતીએ વધી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. શુક્રવારે રાજસ્થાનના કેટલાક શહેરોમાં તપામાન 47થી 48 ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનના બાડમેરમાં તાપમાન 48.1 ડિગ્રી પહોંચી ગયું હતું. 

બીજી તરફ શ્રીગંગાનગરમાં પારો 47.3, બિકાનેરમાં 47.2, ચુરુમાં 47, અજમેરમાં 45 અને ઉદેપુરમાં 44 ડિગ્રી નોંધાયો હતો. આ ઉપરાંત દિલ્હી અને ગુજરાતમાં પણ ગરમીને કારણે લોકો ત્રાહિમામ્ છે. હવામાન ખાતાએ જણાવ્યું કે, આગામી 48 કલાકમાં રાજસ્થાનવાસીઓને સિવિયર હીટવેવનો ખતરો છે. બીજી તરફ દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં પણ હીટવેવનું જોખમ હોવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

27મે એ કેરળમાં ચોમાસું બેસશે
અનેક રાજ્યોમાં પ્રવર્તી રહેલી ભીષણ ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે આ વર્ષે નૈઋત્યનો વરસાદ સમય પહેલાં આવી શકે છે. આંદામાન નિકોબારમાં મોસમનો પહેલો વરસાદ 15મેના રોજ થવાની સંભાવના છે. જ્યારે કેરળમાં 27મેના રોજ ચોમાસું બેસી જવાની હવામાન વિભાગે શક્યતા જાહેર કરી છે. સૂત્રોના મતે આ વખતે ધાર્યા કરતા ચોમાસું કેટલાક દિવસ વહેલું આવી જશે.