હેવાન દીકરાએ પોતાના જ પરિવારની હત્યા કરી

November 23, 2022

દિલ્હીના પાલમ વિસ્તારમાં એક વ્યક્તિએ તેના પરિવારના ચાર સભ્યની હત્યા કરી નાખી છે. આ ઘટના મંગળવાર રાતની છે. આરોપીનું નામ કેશવ છે અને તે ડ્રગ-એડિક્ટ છે. પરિવારે તેને વ્યસનમુક્તિ કેન્દ્રમાં મોકલી આપ્યો હતો. ત્યાંથી પાછા ફર્યા પછી પણ તેણે વ્યસન છોડ્યું નહોતું. તે પરિવાર પાસે ડ્રગ્સ માટે સતત પૈસા માગતો હતો.

મંગળવારે પણ તેણે ડ્રગ્સના પૈસા માગ્યા હતા. જ્યારે પરિવારે પૈસા આપવાની ના પાડી તો તેણે તેનાં માતા-પિતા, બહેન અને દાદીની હત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. ઘરના ચારેય સભ્યોને અલગ-અલગ રૂમમાં લઈ જઈને મારી નાખ્યા હતા. તે હત્યા કર્યા પછી ભાગી ગયો હતો, પરંતુ તેના પિતરાઈ ભાઈએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આરોપી કેશવને પકડનારા તેના પિતરાઈભાઈ જણાવ્યું હતું કે તેણે રાત્રે તેની બહેનની ચીસો સાંભળી હતી, જેમાં તે બચાવવાની બૂમો પાડતી હતી. જ્યારે તે અન્ય લોકોને લઈને તેમના ઘરે પહોંચ્યો તો દરવાજો બંધ હતો. જ્યારે તેણે દરવાજો ખખડાવ્યો હતો, તો આરોપી કેશવે કહ્યું કે આ અમારી ફેમિલી મેટર છે. આ પછી લોકોએ થોડીવાર રાહ જોઈ, પરંતુ અચાનક આરોપી ભાગવા લાગ્યો હતો. પછી લોકોએ તેને પકડી લીધો હતો. જ્યારે લોકો ઘરની અંદર ગયા તો જોયું કે ઘરનો ફ્લોર લોહીથી લથપથ હતો. ચારેય લાશો આસપાસ પડી હતી. આ મૃતદેહો આરોપીનાં માતા-પિતા, બહેન અને દાદીના હતા.

કેશવ પાસે સલામત નોકરી નહોતી. પોલીસે જણાવ્યું હતું કે તે ગુડગાંવ સ્થિત કંપનીમાં કામ કરતો હતો. તેણે એક મહિના પહેલાં જ નોકરી છોડી દીધી હતી. ત્યારથી તે તેના પરિવારના સભ્યો સાથે પૈસાને લઈને ઝઘડો કરતો હતો. આ મામલે પાલમ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

પોતાના પરિવારના લોકોને આવેશમાં આવીને તેમની હત્યા કરી નાખવાની ઘટના હવે છાશવારે બનતી જાય છે. આવો જ એક કિસ્સો હાલમાં જ બન્યો હતો, જેમાં પિતાએ આવેશમાં આવીને પોતાની જ દીકરીની હત્યા કરી દીધી હતી. તે છોકરીના પિતા છોકરીના પસંદગીના લગ્નથી નાખુશ હતા. જેથી આ બાબતે છોકરી સાથે બોલાચાલી થતાં તેના પિતાએ ગુસ્સામાં આવીને લાઇસન્સવાળી રિવોલ્વરથી પોતાની દીકરીની છાતીમાં ગોળીઓ વરસાવી દીધી હતી, જેમાં તે છોકરીનું કરુણ મૃત્યું નીપજ્યું હતું. આ પછી તેના પિતાએ તેની લાશને એક સૂટકેસમાં પેક કરીને યમુના એક્સપ્રેસ હાઈવે પર ફેંકી દીધી હતી. જોકે પોલીસે આ કેસ સોલ્વ કરીને આરોપી પિતાની ધરપકડ કરી દીધી છે.