3 કલાકમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં NDRFની 9 ટીમ તહેનાત

July 07, 2020

હવામાન વિભાગે આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી છે. 40થી 50 કિમીના પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે, હજુ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 25.60% વરસાદ વરસ્યો છે. આજે 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અને અત્યાર સુધી 251 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી 6 ડેમ ઓવરફ્લો થયા છે. 4 તાલુકામાં સિઝન કરતા પણ વધુ વરસાદ થયો છે. 25 ડેમ હાઈએલર્ટ, 11 ડેમ એલર્ટ પર છે. 9 NDRFની ટીમ વિવિધ જગ્યા પર તૈનાત છે. 146 તાલુકામાં સરેરાશ 25%થી ઓછો વરસાદ નોધાયો છે. સૌરાષ્ટ્રની સ્થિતિ પર રાજ્ય સરકારની નજર છે. 1162 લોકોનું સ્થળાંતર કરાયું છે.

ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં એનડીઆરએફની 9 ટીમો હાલ તૈનાત કરવામાં આવી છે. દ્વારકામાં એક, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વડોદરા અને ગાંધીનગરમાં પણ એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.