સીએએ વિરોધીઓના પોસ્ટરો લગાવવા બદલ યોગી સરકારને હાઇકોર્ટની ફટકાર

March 09, 2020

અલ્લાહાબાદ : ઉત્તર પ્રદેશમાં સીએએનો વિરોધ કરી રહેલાના પોસ્ટર સરકારે ઠેર ઠેર લગાવ્યા છે જેથી આ સમગ્ર મામલો અલ્લાહાબાદ હાઇકોર્ટ પહોંચ્યો હતો. હાઇકોર્ટે સરકારના આ પગલાની ટીકા કરી હતી સાથે કહ્યું હતું કે આ રીતે કોઇના પોસ્ટરો લગાવવા તે તેમને મળેલા પ્રાઇવેસીના અિધકારોનું ઉલ્લંઘન છે. સાથે જ આ પોસ્ટરોને હટાવી લેવા પણ સરકારને કહ્યું હતું. જોકે સરકારે એવો જવાબ આપ્યો હતો કે આ મામલે કોર્ટ કોઇ દરમિયાનગીરી ન કરી શકે. 

સાતમી માર્ચે અલ્લાહાબાદ હાઇકોર્ટે આ સમગ્ર ઘટનાનો સુઓમોટો લીધો હતો અને લખનઉના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તેમજ ડિવિઝનલ કમિશનરને ક્યા કાયદા હેઠળ આ પોસ્ટરો લગાવ્યા તેની જાણકારી આપવાનો આદેશ આપ્યો હતો. જ્યારે રવિવારે આ મામલે સરકાર અને પ્રશાસનની ટીકા બાદ વધુ 9મી માર્ચ સુધી સુનાવણીને મુલતવી રાખી હતી. 

રવિવારે અલ્લાહાબાદ હાઇકોર્ટમાં જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુર અને રમેશ સિન્હાએ આ પોસ્ટરો અંગે વાંધો ઉઠાવ્યો હતો અને સરકારના આ નિર્ણયને અન્યાય પૂર્ણ પણ ગણાવ્યો હતો. કોઇ વ્યક્તિને મળેલા વ્યક્તિગત અિધકારો અને સ્વતંત્રતા પર એક પ્રકારની તરાપ છે. સાથે એવી આશા વ્યક્ત કરી હતી કે આ પોસ્ટરોને વહેલી તકે હટાવી લેવામાં આવશે. 

જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે સરકાર વતી હાજર એડવોકેટ જનરલે એવો દાવો કર્યો હતો કે આ લોકોના નામ હિંસામા સામેલ લોકોમાં છે અને તેથી તેમના પોસ્ટરો અને સરનામા તેમજ ફોટોગ્રાફ્સને હોર્ડિંગમાં જાહેર જનતા માટે મુકવામાં આવ્યા છે જેથી કોઇ ફરી આવી હિંસાને અંજામ ન આપે.

જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેમાં જાણીતા સોશિયલ એક્ટિવિસ્ટ અને કોંગ્રેસના નેતા સદફ જફરનો પણ ફોટો અને વિગતો છે, આ પોસ્ટરોના વિવાદ વચ્ચે સદફ જફરે મીડિયાને કહ્યું હતું કે હજુ તો એ કોર્ટમાં પુરવાર પણ નથી થયું કે અમે હિંસા આચરી છે કે નહીં તો પછી સરકાર કેવી રીતે અમને ગુનેગાર ઠેરવીને આ રીતે અમારા પોસ્ટરો જાહેરમાં મુકી શકે? 

તેમણે કહ્યું હતું કે મારા જામીન આદેશ પણ કહે છે કે મારી વિરૂદ્ધના આરોપોના કોઇ જ પુરાવા નથી. કોર્ટે આ સમગ્ર મામલે સુઓમોટો લીધો અને સરકારને ફટકાર લગાવી તેના સોશિયલ મીડિયા પર વખાણ પણ થયા હતા.