હિમાચલમાં પૂરથી અત્યાર સુધીમાં 16ના મોત, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની અગાહી

August 06, 2024

હિમાચલ પ્રદેશમાં, કુલ્લુ, શિમલા અને મંડી જિલ્લામાં સાત સ્થળોએ વાદળ ફાટ્યું હતું. જે બાદ પૂરને કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 39 લોકો હજુ ગુમ છે. સોમવારે (પાંચમી ઓગસ્ટ) સર્ચ ઓપરેશન દરમિયાન શિમલાના સુન્ની ડેમ નજીક બે મૃતદેહ મળી આવ્યા હતા. અહેવાલો અનુસાર, શિમલાના સમેજમાં 28, કુલ્લુના બાગીપુલમાં નવ અને મંડીના રાજબનમાં બે લોકો ગુમ છે. આ લોકોને શોધવા માટે ડોગ્સ, ડ્રોન અને લાઈવ ડિટેક્ટરનો ઉપયોગ કરીને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ હવામાન વિભાગ કરી છે કે, આજે (છઠ્ઠી ઓગસ્ટ) કાંગડા, શિમલા, ચંબા, મંડી અને સિરમૌરમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને અચાનક પૂરને લઈને યલો એલર્ટ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (છઠ્ઠી ઓગસ્ટ) ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ અને ગોવા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે, પૂર્વ રાજસ્થાન, તટીય કર્ણાટક, તટીય આંધ્ર પ્રદેશ, સિક્કિમ અને આસામ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને તટીય કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. કેરળ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.