૧૯ વર્ષના અલકારાઝની મેડ્રિડ ઓપનમાં ઐતિહાસિક જીત : વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને

May 10, 2022

મેડ્રિડઃ સ્પેનના ૧૯ વર્ષના અલકારાઝે ત્રીજો સીડ ધરાવતા જર્મનીના ઝ્વેરેવને ૬-૩, ૬-૧થી હરાવીને મેડ્રિડ માસ્ટર્સ ટાઈટલ જીતવાની સાથે રેકોર્ડની વણઝાર સર્જી દીધી હતી. ઈ.સ. ૧૯૯૦માં એટીપી ટૂર શરૃ થઈ ત્યારથી અત્યાર સુધીમાં એક જ ટુર્નામેન્ટમાં ટોપ ફાઈવમાંથી ત્રણ ખેલાડીને હરાવનારા સૌથી યુવા ખેલાડી તરીકે અલકારાઝે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર ફોર નડાલને અને સેમિ ફાઈનલમાં વર્લ્ડ નંબર વન યોકોવિચને હરાવ્યો હતો.
અલકારાઝે આ સાથે માયામી ઓપન બાદ મેડ્રિડ ખાતે કારકિર્દીનું બીજું માસ્ટર્સ ૧૦૦૦ સિરિઝ ટાઈટલ જીત્યું હતુ. સૌથી યુવા વયે બે માસ્ટર્સ ૧૦૦૦ ટાઈટલ જીતનારો તે નડાલ પછીનો બીજો ખેલાડી બની ગયો છે. નડાલે ૨૦૦૫માં ૧૮ વર્ષની વયે બે માસ્ટર્સ ટાઈટલ જીતી લીધા હતા. તે સૌથી યુવા વયે મેડ્રિડ ઓપન જીતનારો ખેલાડી બન્યો હતો અને વર્લ્ડ રેન્કિંગમાં તે નવમાં ક્રમથી છઠ્ઠા ક્રમે આવી પહોંચ્યો છે.
અલકારાઝ ઝ્વેરેવને મેડ્રિડ ઓપનમાં સીધા સેટોમાં હરાવનારો સૌપ્રથમ ખેલાડી બન્યો હતો. જ્યારે તે નડાલ (વર્ષ ૨૦૦૪-૦૫) પછી સૌથી યુવા વયે પાંચ એટીપી ટાઈટલ જીતનારો ખેલાડી બન્યો હતો. તેણે ટોપ-૧૦માં સ્થાન ધરાવતા ખેલાડીઓ સામે સતત સાતમી જીત હાંસલ કરી હતી. યોકોવિચ સામે તો અલકારાઝે તેની કારકિર્દીની સૌપ્રથમ મેચ જ જીતી લઈને સનસનાટી મચાવી હતી.