સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટનાઃ રાજ્યમાં પ્રથમ વખત બંને હાથ દાન મેળવવામાં મળી સફળતાં

October 16, 2021

દશેરાનો પવિત્ર દિવસ આજે સિવિલ હોસ્પિટલ માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિયાદના 52 વર્ષીય અરૂણભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ અંગદાન માટેની તૈયારી દર્શાવી હતી. અરૂણભાઇ પ્રજાપતિના અંગોના દાન થકી ગુજરાતમાં પ્રથમ વખત બંને હાથના દાન મેળવવામાં પણ સફળતા મળી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બંને ફેફસાનું પણ દાન મળ્યું હતું. બ્રેઇનડેડ અરૂણભાઇનું હ્રદય અને બંને કિડનીનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી.

અંગદાનમાં મળેલ બંને હાથ મુંબઇ સ્થિત હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જયપુરના ૨૨ વર્ષીય યુવકને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે હ્રદય અને ફેફસાને ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઇ મોકલવામાં આવ્યા. બંને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવી હતી.