'ઈતિહાસ બનવા જઈ રહ્યો છે': જમ્મુ-કાશ્મીરમાં રેકોર્ડ બ્રેક મતદાન વચ્ચે CEC રાજીવ કુમારની પ્રતિક્રિયા

September 25, 2024

જમ્મુ : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે 26 બેઠકો માટે 239 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જેમાં ઘણા દિગ્ગજો પણ ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં મુખ્ય ઉમેદવારો તરીકે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, JKPCC પ્રમુખ તારિક હમીદ કારા અને ભાજપના રવિન્દર રૈના ચૂંટણી મેદાને છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં રેકોર્ડ બ્રેક મતદાન થઈ રહ્યું છે. મતદાનને લઈને મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ જોતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની પ્રતિક્રિયા સામે આવી છે. 

તેમણે જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કામાં મહત્વપૂર્ણ ભાગીદારી પર મતદારોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, આ ઈતિહાસ બનવા જઈ રહ્યો છે. ચૂંટણી પંચને ખુશી છે કે, સમગ્ર ઘાટી અને જમ્મુમાં ખૂબ જ જોશ અને ઉત્સાહ સાથે મતદાન થઈ રહ્યું છે.