પાટણમાં હિટ એન્ડ રન:પુરપાટ ઝડપે જતી કાર ઝૂંપડપટ્ટીમાં ઘૂસી, કપડાં ધોતી યુવતી અને ખાટલામાં સુતેલા વૃદ્ધનું મોત

October 14, 2021

પાટણ : પાટણ શહેરમાં વહેલી સવારે ગાડી ચાલકની બેદરકારીના કારણે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં બે લોકોના મોત થયાં છે. રસ્તા ઉપર જઇ રહેલી ગાડી સાઈડમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઘૂસી જતા યુવતી અને વૃદ્ધને ટક્કર મારતા બનેના મોત થયા હતાં.

પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર ગુરુવારે સવારે 8 વગ્યા આસપાસ બેકાબૂ આવી રહેલી માર્શલ ગાડીના ચાલકે પોતાના સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ગાડી રસ્તા ઉપરથી ઉતરીને પૂરઝડપે અન્નપૂર્ણા સોસાયટીની બાજુમાં આવેલી ઝૂંપટપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. બહાર બેઠેલા 60 વર્ષના એક વૃદ્ધ અને ઘરની બહાર બાંથરૂમમાં કપડાં ધોઈ રહેલી 21 વર્ષની યુવતીને હડફેટે લઈ ફંગોળયા હતાં. ગાડીએ અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયાં હતાં.