ગૃહ મંત્રાલયનો રાજ્યસભામાં જવાબ- છેલ્લા 6 મહિનામાં ચીન સીમા પર કોઈ ઘૂસણખોરી જ થઈ નથી

September 16, 2020

લદ્દાખ : ભારત અને ચીનની વચ્ચે લદ્દાખ બોર્ડર પર છેલ્લા કેટલાય મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે. ચીને સીમા પર પોતાના સૈનિકોની સંખ્યા વધારી લીધી છે. આ વચ્ચે બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં જાણકારી આપી કે છેલ્લા 6 મહિનામાં ભારત-ચીનની સીમા પર કોઈપણ પ્રકારની ઘૂસણખોરી થઈ નથી.

રાજ્યસભામાં એક સાંસદ તરફથી સવાલ પુછાયો હતો કે છેલ્લા 6 મહિનામાં પાકિસ્તાન અને ચીનની સીમા પર કોઈ ઘૂસણખોરીમાં વધારો થયો છે કે કેમ. તેના પર ગૃહ મંત્રાવયે લેખિતમાં જવાબ આપ્યો છે કે ચીન સીમા પર કોઈપણ પ્રકારની ઘૂસણખોરી થઈ નથી.

જણાવી દઈએ કે, લદ્દાખમાં હાલની જે સ્થિતિ બનેલી છે, તેને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે. તેવામાં તેને ઘૂસણખોરી માનવામાં આવી નથી. ગૃહ મંત્રાલયના એક અધિકારી પ્રમાણે, ઘૂસણખોરી શબ્દનો ઉપયોગ મોટા ભાગે LoC પર આતંકીઓ માટે કરવામાં આવે છે. બીજી તરફ પાકિસ્તાન તરફથી કરવામાં આવતી ઘૂસણખોરી પર ગૃહ મંત્રાલયે આંકડા પણ આપ્યા છે.

ગૃહ મંત્રાલયે જવાબમાં કહ્યું કે, બોર્ડર પર ઘૂસણખોરી રોકવા માટે સરકારે અનેક પગલાંઓ ભર્યાં છે. બોર્ડર ફેંસિંગ, ઈન્ટેલિજન્સ, ઓપરેશનલ કોર્ડિનેશનલ સગિત અનેક મામલાઓ દ્વારા પાકિસ્તાનથી થતી ઘૂસણખોરીને રોકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં ચીનની સાથેના તણાવ મામલે નિવેદન આપ્યું હતું, જેમાં તેઓએ કહ્યું હતું કે, ચીને 1993ની સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે.