રાજ્યમાં કોરોનાના 43 હજાર એક્ટિવ કેસ સામે હોસ્પિટલાઇઝેશન રેટ 2.50 ટકા, માત્ર 0.39 ટકા દર્દીને જ ઓક્સિજનની જરૂર પડી

January 13, 2022

અમદાવાદ  : રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગુજરાત સરકાર કોરોનાની તમામ પરિસ્થિતીઓ સામે લડત આપવા કરાયેલી તૈયારીની માહિતી આપી હતી. જેમાં તેમણે દવાઓ, હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની સુવિધા તથા રસીકરણ અંગેની માહિતી આપી હતી. સાથે જ તેમણે રાજ્યમાં હોસ્પિટલાઇઝેશન રેટ 2.50 ટકા તથા ઓક્સિજનની જરૂર પડે તેવા દર્દીઓના રેટ 0.39 ટકા હોવાની માહિતી આપી હતી. કોવિડ મહામારી સામે નિયંત્રણ મેળવવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ 14 વિષયોને સમાવિષ્ટ તબીબી નિષ્ણાંતોની ટીમ બનાવવામાં આવી છે.

કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં હેલ્થ સર્વીસ મેનેજમેન્ટ સેન્ટર કાર્યરત કરીને દરેક જિલ્લામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ એક્ટિવ કર્યા છે. સાથે જ કોમ્યુનિટી મેડિસીનનાં નિષ્ણાંત પ્રાધ્યાપકોનું એપિડમિક ઇન્ટેલીજન્સ યુનીટ તૈયાર કરાયું છે. જે વિશ્વ અને રાષ્ટ્રીય સ્તરે મહામારીની અસરો પરનું વિશ્વેલ્ષણ કરીને રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સને કોવિડ સામેની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે માર્ગદર્શન પ્રદાન કરે છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં 43 હજાર જેટલા એક્ટિવ કેસ હોવા છતા હોસ્પિટલાઇઝેશન દર 2.50 ટકા અને ઓક્સિજનની જરૂરિયાતનો દર 0.39 જેટલો છે. હોસ્પિટલાઇઝેશન દર ખૂબ જ ઓછો હોવા છતા પણ વાયરસના સ્વરૂપને ગંભીરતાથી લઇ કોવિડ અનૂરૂપ સરકારી દિશાનિર્દેશોનું પાલન કરવા અને રસીકરણ કરાવવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો છે. ઉપરાંત તેમણે સરકારની તૈયારી અંગે પણ માહિતી આપી હતી.