શિયાળામાં વાળની સંભાળ કેવી રીતે રાખવી જોઇએ

January 06, 2020

વાળની સમસ્યા આમ તો દરેક ઋતુમાં રહે જ છે. પણ, શિયાળામાં વાળનુ શુષ્કપણું અને વાળનું ઊતરવું વગેરે કેટલીય સમસ્યાઓ ઊભી થાય છે, જે ઋતુ સાથે સંકળાયેલી હોય છે.

શિયાળામાં આપણે સ્નાન માટે અને વાળ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ, જેથી વાળશુષ્ક થઈ જાય છે. તેથી આ ઋતુમા તેની સંભાળ લેવી જરૂરી બની જાય છે. વળી, શિયાળાના ઠંડા પવનને કારણે વાતાવરણમાં આવેલા ભેજને લીધે આપણી ખોપરી શુષ્ક થઈ જાય છે, જેથી વાળમાં શુષ્કપણું આવી જાય છે અને વાળ તૂટવા માંડે છે. શિયાળામાં ઉપયોગ કરાતા હીટર, ગરમ એરકંડિશનર, સગડીઓ વગેરેને કારણે વાતાવરણની ભીનાશમાં કમી આવી જાય છે, જેથી પણ વાળ ખરાબ થાય છે ને ક્યારેક વાળમાં ખુજલી પણ આવે છે.

વાળ એટલે મહિલાની ખૂબસૂરતીનો અરીસો. લાંબા, કાળા, ગાઢા, ચમકદાર વાળની ચાહત રાખનારી મોટાભાગની મહિલાઓ ઓર્ગેનિક ઘરેલું ટિપ્સને બદલે ઓછા સમયમાં રિઝલ્ટ આપનારા મોંઘા સૌંદર્ય પ્રસાધનોનો અને બ્યૂટીસલૂનોનો સહારો લે છે. પરિણામે મુશ્કેલી વધવા પામે છે.

શિયાળાની ઋતુમાં શુષ્કપણાને કારણે ખોડાની સમસ્યા પણ ગંભીરરૂપ ધારણ કરે છે. ખોડો અને બે મોંવાળા વાળની સમસ્યાનો સામનો કરવા માટે ગરમ તેલની માલિસ ઘણી લાભદાયી સાબિત થાય છે.

અઠવાડિયામાં બે વાર શુદ્ધ નારિયેળ તેલને ગરમ કરીને એને માથા અને ખોપડી પર માલિસ કરો. એ પછી એક ટુવાલને ગરમ પાણીમાં ડુબાડીને નિચોવી લો અને એ ટુવાલને ૫-૭ મિનિટ માટે માથા પર બાંધી દો. આ પ્રક્રિયાનું ૩-૪વાર પુનરાવર્તન કરો અને તેલને આખી રાત લગાવેલું રહેવા દો. જો આપના વાળમાં ખોડો હોય તો બીજા દિવસની સવારે વાળ અને ખોપરી પર લીંબુનો રસ લગાવીને ૧૫ મિનિટ પછી માથું ધોઈ લો, એ માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો, વધુ પડતા ગરમ પાણીનો ઉપયોગ કયારેય ન કરો. શેમ્પૂ પછી પાણીના મગમાં બે ચમચી સરકો નાખીને વાળને ધોઈને સારી રીતે સ્વચ્છ કરી લો.

એક કપ આમળાનો પાઉડર, બે ચમચી કેસ્ટ્રોલ ઓઇલ અને એક ઇંડાને ફીણીને મિશ્રણ બનાવી દો. એને માથા અને વાળ પર લગાવીને અર્ધો કલાક રહેવા દઈ, પછી વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો. શિયાળામાં નારિયેળ તેલ વાળ માટે ઘણાં ફાયદામંદ સાબિત થાય છે.

શિયાળામાં વાળને પ્રાકૃતિક રીતે જાળવી રાખવા માટે વધારાના પોષાહારની જરૂર પણ પડે છે. શિયાળામાં શુષ્કપણું અને ભીનાશની કમી આવી જવાને કારણે વાળને જરૂરી પોષણની જરૂર પડે છે. વાળમાં નાળિયેર તેલની માલિસથી વાળને પોષાહાર મળે છે. શિયાળામાં દરરોજ માથું ધોવાથી બચો, કેમ કે એનાથી ખોપરીમાં રહેલું પ્રાકૃતિક તેલ સુકાઈ જશે અને વાળ બેજાન અને શુષ્ક બની જશે.