બંગાળમાં મમતારાજમાં માનવતા ફરી શર્મસાર

March 26, 2022

  • ભારતમાં રકતરંજિત રાજ્ય તરીકે કેરળ અને પશ્ચિમ બંગાળ સતત વગોવાયા
  • TMC નેતાની હત્યા બાદ ભડકેલી હિંસામાં 5 ઘરોને બહારથી તાળા મારી આગને હવાલે કરી દેવાતા 12 લોકો ભડથુ થઈ ગયા, ગૃહમંત્રાલયે રિપોર્ટ માંગતા જ મમતાની દોડધામ
ભારતના પૂર્વોત્તરમાં આવેલું પશ્ચિમ બંગાળ પહેલાથી જ લોહીયાળ રાજકારણનો ઈતિહાસ ધરાવ છે. આ રાજ્યમાં નાની નાની ચૂંટણીઓમાં પણ મોટી હિંસા અને હત્યાના બનાવો સામાન્ય છે. ડાબેરીઓને પછડાટ આપીને મમતા બેનરજીએ જયારે બંગાળની કમાન સંભાળી ત્યારે રાજ્યના નિર્દોષ નાગરિકો અને દેશને આશા હતી કે, મમતા હવે બંગાળની સુરત અને દીશા બંને બદલશે. પરંતુ આજે 3 વખતની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પણ મમતા બંગાળમાં આ મામલે કશુ જ પરિવર્તન લાવી શકી નથી. ઉલ્ટુ મમતાની ટીએમસી પાર્ટીના કાર્યકરો જ હિંસા, હત્યા, મારપીટ જેવા કિસ્સાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે જ દેશમાં બંગાળ અને ખુદ મમતાની છબી ખરડાઈ રહી છે. મમતા બેનરજી ઘણાં સમયથી રાષ્ટ્રીય સ્તરે ભાજપને પછડાટ આપવાની મથામણ કરી રહ્યા છે. પરંતુ રાજ્યમાં સતત હિંસાને કારણે હવે મમતાનો પ્રભાવ બંગાળ પુરતો જ સીમીત રહેશે તે નક્કી છે.
બંગાળના બીરભૂમ જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા ભાદુ શેખને હુમલાખોરોએ બોમ્બ ફેંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના બાદ ભડકેલા તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ રમખાણ મચાવીને ખૂનામરકી કરી નાંખી છે. શેખની હત્યા રાજકીય અદાવતમાં કરાઈ હોવાની શંકા રાખીને તૃણમૂલના કાર્યકરોએ પહેલાં બહાર તોડફોડ કરીને એક વ્યક્તિની હત્યા કરી નાંખી અને પછી રાજકીય હરીફના ઘર પર હલ્લાબોલ કરી દીધું. આ ટોળાને જોઈને ઘરનાં લોકો ઘરને અંદરથી બંધ કરીને બેસી ગયાં તો તૃણમૂલના કાર્યકરોએ પાંચ ઘરને બહારથી બંધ કરીને આગ ચાંપી દીધી. આ આગમાં 12 લોકો જીવતા જ ભડથું થઈ ગયાં. મંગળવાર સુધીમાં 12 લોકોના સાવ બળી ગયેલા મૃતદેહો મળ્યા હતા.
એકસામટાં આટલા લોકોને ઘરમાં બંધ કરીને સળગાવી નાંખવા એ અત્યંત ધૃણાસ્પદ ઘટના છે. રાજકારણમાં હરિફો હોય, હારજીત થાય પરંતુ જીવતા લોકોને આગને હવાલે કરવા સુધીની નોબત કોઈપણ સમાજ, ધર્મ કે, દેશ માટે શરમજનક બાબત છે. વળી, આ ઘટના બાદ જરા પણ શરમ ન હોય તેમ મમતા બેનરજીની સરકાર ઢાંકપિછોડો કરવામાં લાગી છે. એક તરફ મમતાએ આ હત્યાકાંડને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી એવી સફાઈ મારી તો બીજી તરફ ત્રણ સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) બનાવી તપાસને નામે પણ તરકટ કર્યુ. મમતાએ જે સીટની રચના કરી તેના વડા તરીકે પાછા વગોવાયેલા જ્ઞાનવંતસિંહની નિમણૂક કરી. મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીનો પગ કુંડાળામાં પડયો છે એ કોલસા કૌભાંડમાં જ્ઞાનવંત પણ સંડોવાયેલા હોવાનું કહેવાય છે. સીબીઆઈ કોલસા કૌભાંડમાં જ્ઞાનવંતની પૂછપરછ પણ કરી ચૂકી છે. 
જ્ઞાનવંત મમતાના માનીતા છે, તેથી તપાસ કેવી હશે એ કહેવાની જરૂર નથી. મમતા ઈચ્છે છે એ રીતે આ રાજકીય હત્યા નથી એવો રીપોર્ટ આપી દેવાશે. રાજકીય હિંસામાં કેરળ અને પશ્ચિમ બંગાળ અગ્રેસર છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં રાજકારણમાં અપરાધી વધારે હોવાની માન્યતા છે પણ કેરળ અને બંગાળ જેટલી રાજકીય હિંસા બીજા કોઈ રાજ્યમાં થતી નથી. ઝારખંડ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં નકસલવાદના કારણે મોટા પ્રમાણમા રાજકીય હત્યાઓ થાય છે પણ સામાન્ય લોકો રાજકીય હિંસામાં સામેલ હોય, તેનું પ્રમાણ બંગાળ અને કેરળમાં વધારે છે. રાજકીય કારણોસર અથડામણો, મારામારી, હિંસા વગેરે આ બંને રાજ્યોમાં સૌથી વધારે છે.
બંગાળની રાજકીય હિંસા બહુ જૂની છે પણ રાષ્ટ્રીય સ્તરે તેની બહુ નોંધ નહોતી લેવાતી. મમતા બેનરજી અને ડાબેરીઓ લડયા કરતા એ તરફ દેશનું ધ્યાન નહોતું જતું. કેમ કે, એ વખતે મીડિયા આટલા સ્તરે વિસ્તર્યુ ન હતુ. મીડિયાનો પ્રભાવ વધ્યો પછી નંદીગ્રામ અને સિંગુરમાં મમતા બેનરજી અને ડાબેરીઓ વચ્ચે જામેલા જંગ અને ગુંડાગીરીની વાતો બહાર આવી. મમતાએ ગુંડાગીરીમાં ડાબેરીઓને પછાડયા પછી થોડો સમય શાંતિ રહી, પણ ભાજપે બંગાળમાં મમતા બેનરજીને હરાવવા કમર કસતા જ મમતા ફરી અસલી રંગમાં આવી ગયાં.
ભાજપને દબાવી દેવા મમતાએ રીતસર ગુંડાગીરી શરૂ કરી. વિધાનસભાની છેલ્લી ચૂંટણી વખતે મમતા પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા મરણિયાં બન્યાં પછી તેમણે બધી મર્યાદા બાજુ પર મૂકી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા સુધ્ધાં આ ગુંડાગીરીનો ભોગ બની ચૂક્યા છે. મમતાના ભત્રીજા અભિષેક બેનરજીના ડાયમંડ હાર્બર મતવિસ્તારમાં જ નડ્ડાના કાફલા ઉપર હુમલો થયો હતો. પણ મમતાને કોઈ ફરક નહોતો પડયો. 
બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી તૃણમૂલના કાર્યકરોએ રાજકીય હિંસાનું જે તાંડવ કર્યું તેને લોકો નથી ભૂલ્યાં. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની ઓફિસોને ઠેર ઠેર આગ લગાવી હતી. ભાજપના કાર્યકરોનાં ઘરોમાં ઘૂસીને હત્યા કરી નાંખી. ભાજપે પોતાના નવ કાર્યકરોની હત્યા થયાનો આક્ષેપ કર્યો હતો. તૃણમૂલ કાર્યકરોએ ભાજપની ઓફિસો અને કાર્યકરોના ઘર પર બોમ્બ ફેંક્યાના વીડિયો પણ ફરતા થયા હતા. ભાજપની મહિલા કાર્યકરો પર પાશવી બળાત્કાર ગુજારાયા હોવાના આક્ષેપો પણ થયા હતા. સોશિયલ મીડિયા પર તૃણમૂલ કાર્યકરોની ગુંડાગીરી અને હિંસાના વીડિયો અને તસવીરો એ વખતે છવાઈ ગયા હતા. અત્યારે જ્યાં તૃણમૂલના નેતાની હત્યાથી ભડકો થયો છે એ બિરભૂમ જિલ્લામાં પણ ભારે હિંસા થઈ હતી. ચૂંટણી બાદની ઘટનાઓમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગંભીર બની મમતા સરકાર પાસે રીપોર્ટ માંગ્યો હતો. 
જો કે, તે સમય નફફટાઈની હદ વટાવતા મમતાએ પોતે મુખ્યમંત્રીપદના શપથ ના લે ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની જવાબદારી ચૂંટણીપંચની છે તેમ કહીને હાથ ખંખેરી નાંખ્યા હતા. મમતાને રાજકારણમાં ટકવા માટે હિંસાનો વારસો રાજકારણીઓ પાસેથી મળ્યો છે. બંગાળ અંગ્રેજો સામેની હિંસક લડતનું મુખ્ય કેન્દ્ર હતું. આઝાદી પછી સામ્યવાદીઓએ સત્તા મેળવવા યુનિયન પ્રવૃત્તિના નામે ગુંડાગીરી શરૂ કરી. તેના જોરે સત્તા મળી પછી સત્તા ટકાવવા નકસલવાદને પોષ્યો. નકસલોએ રાજકીય ચળવળના નામે હત્યાઓ કરી અને લૂંટ ચલાવી, સરકાર સામે શસ્ત્રો પણ ઉઠાવ્યાં. કાયદાની ઐસીતૈસી કરીને કોઈની હત્યા કરી નાંખવામાં પણ તેમને છોછ નહોતો. મમતાએ ડાબેરીઓને તેમની જ ગોળી ગળાવીને પછાડયા પછી ગુંડાગીરી તેમની આદત જ બની ગઈ છે. તૃણમૂલના કાર્યકરો મમતાના રસ્તે ચાલે છે. વળી, મમતા આવી ઘટનાઓમાં આંખ આડા કાન કરીને તેમને પોષે છે.
મમતાએ મુખ્યમંત્રી તરીકેની પહેલી ટર્મમાં હિંસા દ્વારા ડાબેરીઓને સાફ કરી નાંખ્યા હતા. ભાજપ મજબૂત બનતાં હવે મમતાએ ભાજપને સાફ કરવા તૃણમૂલના કાર્યકરોને છૂટો દોર આપ્યો છે.  બિરભૂમ જેવી ઘટનાઓ મમતાની આ જ નીતિનું પરિણામ છે. આમ તો ગૃહમંત્રી અમીત શાહે બિરભૂમની ઘટનાની નોંધ લઈન મમતા સરકારને શુક્રવાર સુધીમાં અહેવાલ રજૂ કરવા સુચના આપી છે. તેથી ગુરુવારે તો મમતાએ પોત જ અસરગ્રસ્તોની મુલાકાત લીધી. પરંતુ મમતાની આ મુલાકાત પછી તેના શાસનમાં કોઈ સુધારો થશે કે કેમ એ મહત્વનો સવાલ છે.