પૂરથી સેંકડોના મોત થતાં સરમુખત્યાર કિમ જોંગે 30 અધિકારીને ફાંસીના માચડે લટકાવી દેતા હડકંપ

September 04, 2024

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સતત પોતાના સરમુખત્યારશાહ વલણના લીધે હંમેશા વિવાદોમાં રહે છે. ઉત્તર કોરિયામાં નાની ભૂલની સજા પણ મોત છે. હાલમાં જ તેમણે દેશમાં પૂરની સ્થિતિ અટકાવવા માટે નિષ્ફળ રહેનાર 30 સરકારી અધિકારીઓને ફાંસી આપી છે. તેમજ વધુ અન્ય અધિકારીઓને પણ મોતની સજા ફટકારવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે, ઉત્તર કોરિયામાં પૂરના લીધે અત્યાર સુધી 1 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ચાગાંગ પ્રાંતમાં ભારે વરસાદના લીધે ભુસ્ખલનની ઘટનામાં પણ અનેક લોકો માર્યા છે. ઉત્તર કોરિયાના મીડિયા રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયાની સરકારે પૂરની સ્થિતિમાં લોકોનો જીવ બચાવવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાના સોગંદ લીધા છે. જવાબદાર અધિકારીઓને આકરી સજા આપવામાં આવશે. ગતમહિને પૂર પ્રભાવિત ક્ષેત્રમાં 20થી 30 અધિકારીઓને એક સાથે મોતની સજા આપવામાં આવી હતી. કિમ જોંગ ઉને જુલાઈમાં ચીનની હદ નજીક ચાગાંગ પ્રાંતમાં આવેલ વિનાશકારી પૂર બાદ અધિકારીઓને આકરી સજા આપવાનો આદેશ આપ્યો હતો. સિનુઈજુમાં આયોજિત એક ઈમરજન્સી બેઠકમાં કિમ જોંગ ઉને પોતાના અધિકારીઓને ઈમરજન્સી દરમિયાન જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલા કર્મચારીઓ વિરૂદ્ધ પણ સજા ફટકારવાનો આદેશ આપ્યો છે. જુલાઈમાં ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં ભયંકર પૂર આવ્યું હતું. જેમાં હજારો લોકો બેઘર બન્યા હતા. અનેક લોકોના મોત થયા હતા. દક્ષિણ કોરિયન મીડિયા અનુસાર, પૂરના લીધે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1 હજારથી વધી શકે છે.