હજારો કરોડના હીરા માટે જંગલના નિકંદનની વેંતરણ

November 22, 2021

એક્સેલ માઇનિંગને કોન્ટ્રાક્ટ સામે કોર્ટ અને ગ્રીન ટ્રિબ્યુનલમાં અનેક કેસોની સુનાવણી
વન્ય સંપદા અને પ્રાણીઓથી ભરપુર આ જંગલ આદિવાસીઓને રોજીરોટી આપે છે હવે આ જંગલમા ખોદકામથી અનેક ઝરણા ખતમ થવા સાથે સ્થાનિકોને વિસ્થાપનનો ડર સતાવી રહ્યો છે
વર્ષ 2002માં ઓસ્ટ્રેલિયાની નામચીનની રિયો-કિન્ટોને બક્સવાહના જંગલમાં જમીન નીચેથી હીરા શોધવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કંપનીએ અહીં પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો હતો. વર્ષોના ખોદકામ અને સંશોધન પછી કંપનીના સંશોધકોએ જાણ્યુ કે, જમીનની નીચે 55 હજાર કરોડના હીરા ધરબાયેલા છે. જે બાદ 950 હેકટર જમીનને ખોદકામ કરવા માટે પસંદ કરવામાં આવી. આ 950 હેકટર જમીન પર અનેક ગામ વસેલાં હતાં. કંપનીની ગતિવિધિઓ સાથે જ આ ગામોમાંથી જબરદસ્ત વિરોધ ઉભો થયો. જેને કારણે  ઓસ્ટ્રેલિયાની કંપની રિયો-ટિન્ટોએ પ્રોજેક્ટ પડતો મૂક્યો. એ વખતે એવા સવાલો પૂછાયા હતા કે, અબજો રૂપિયાના રોકાણ બાદ એવું તો શું થયું કે, કંપનીએ એકાએક પ્રોજેક્ટ પડતો મુકી દીધો ? જાણકારોનું કહેવું છે કે, વિદેશી કંપની માટે સ્થાનિકોનો વિરોધ મોટી અડશોની ગઈ હતી.
પરિણામ સ્વરૂપે વર્ષ 2019માં એક નવા ઓકેશન પછી હીરા શોધવાનું લાઇસન્સ આદિત્ય બિરલા ગ્રૂપની એસેલ માઇનિંગ કંપનીને અપાયુ. આ વખતે અહીંના 382 હેક્ટર જમીન ખોદકામ માટે પસંદ કરાઈ. સૌથી મહત્વની વાત તો એ હતી કે, ઓસ્ટ્રેલિયાના કંપનીના પ્રોજેક્ટમાં સ્થાનિકોને રોજગારી મળી હતી. આજે પણ આ લોકો અહીંના જંગલની જમીન પર જ રહે છે. ઓસ્ટ્રેલિયાની કંપની સાથે કામ કરનારા સ્થાનિક ગણેશ યાદવને આજે પણ એક રંજ છે. તે કહે છે કે, સરકારે ખાસ આ ગામોને આ રીતે ખોદકામ માટે સ્થાનિકોને જ સોંપી દેવાના હતા. જો સરકારે આમ કર્યુ હોત તો આજે અમારા 18 વર્ષના હોત અને માઈનીંગના કામમાં એક્સપર્ટ બની ગયાં હોત. હવે અહીં નવો પ્લાન્ટ શરૂ કરાશે પરંતુ અમારાં બાળકો તેમાં કામ કરી શકે એવા સક્ષમ નથી.
બક્સવાદાના જંગલમાં બીડીના પાંદડાં હોય કે મહુવા અને આંબળાના ફળો, જંગલની આજુબાજુ રહેતા 10 હજાર લોકો પોતાનું પેટ આ સામગ્રી વેચીને ભરે છે. ગામ લોકોનું કહેવું છે કે, આ સામગ્રીમાંથી એક પરિવાર વર્ષે 60થી 70 હજાર કમાઈ લે છે. હવે અહીંના લોકોને ચિંતા સતાવી રહી કે, એક વખત જંગલ ખતમ થઈ જશે પછી અમારૂં ભરણપોષણ કેવી રીતે થશે ?  અહીંની મહિલાઓના ચહેરા સાવ ઊતરી ગયાં છે. એક મહિલાનું કહેવું છે કે, અમે આખો પરિવાર જંગલમાં વીણવા માટે જઈએ છીએ, ત્યારે ઘરનો ખર્ચ કાઢી શકીએ છીએ, પણ જો આ જંગલે જ નહીં રહે તો શું કરીશું ? અમારી પાસે કોઈ ખેતીવાડી તો નથી, નથી કોઈ ધંધો.  અમે તો પેઢીઓથી જંગલના ભરોશે અહીં વસી રહ્યાં છીએ. અલબત્ત, અહીં એવા લોકો પણ વસે છે, જેને પોતે જ્યાં રહે છે એ ધરતીમાં ખરબોનાં હીરા ધરબાયેલાં હોવાનું જાણી પણ કોઈ રસ જાગ્યો નથી ! તેઓને બસ એક જ ચિંતા છે, અમારૂં જીવન કેવી રીતે ચાલશે? એક મહિલાએ તો એવું સ્પષ્ટ કહ્યું જંગલમાં ખોદકામ થશે તો અમને તો ધૂળ જ ઉડશે, હીરા અમને થોડા મળવાના છે ? આ વિસ્તારમાં જેટલાં લોકો વસે છે તેને નોકરી થોડી મળવાની છે ? 
બીજી તરફ મધ્યપ્રદેશ સરકારનો દાવો કંઈક જુદો જ છે. રાજ્ય સરકાર કહે છે, અમે બધા ગામલોકો પાસે ગયાં હતાં. કોઈએ વિરોધ વ્યક્ત કર્યો નથી. બધા લોકો જાણે છે કે, આ પ્લાન્ટથી રોજગારી મળશે. અલબત્ત, સરકારના દાવાઓ જમીની હકીકતથી કંઈક જુદા જ છે. બક્સવાના જંગલોને બચાવવા માટે અહીંના લોકોમાં જબરદસ્ત ઝૂંબેશ છેડાયેલી છે. સરકારના મંત્રીનો દાવો તો એવો છે કે, રાજ્યના મુખ્યમંત્રીના કહેવાથી અમે ગામલોકોને મળવા ગયા હતા. ખુલીને કોઈ વિરોધ કરવા સામે આવ્યું નથી. બહારના લોકો જ વિરોધ કરી રહ્યાં છે. સ્થાનિક લોકોએ આજ સુધી કોઈ વિરોધ કર્યો નથી. અલબત્ત, હીરા માટે ખોદકામ કરવા એસેલ માઇનિંગ 2.15 લાખ વૃક્ષ કાપી નાખશે. મધ્યપ્રદેશ સરકારના ખનીજ મંત્રી બૃજેન્દ્રપ્રતાપનો દાવો છે કે, અહીં જંગલે એટલું ગાઢ નથી. એટલે કે વૃક્ષો કપાશે તો કોઈ વાંધો નહીં આવે.  આ ઉપરાંત મંત્રીજીનું કહેવું છે કે, સરકાર તેની સામે 10 લાખ વૃક્ષ વાવશે ! મતલબ કે, જે છે એ કાપીને સરકાર નવા વૃક્ષ વાવશે. મંત્રીજીના આ નિવેદનથી હકીકત કંઈ ઔર બયાન કરે છે. ખરેખર જે સ્થળેથી ડાયમંડ માઇનિંગ થવાનું છે એ સ્થળની તપાસ કરવામાં આવે તો એ એટલું ગાઢ જંગલ છે કે 2 કિલોમીટર અંદર જવા માટે એકાદ બે કલાક નહીં, કલાકો સુધી ચાલવું પડે. વળી, આ જંગલમાં જંગલી જાનવરોની પણ ભરમાર છે.
અહીં રિંછ દ્વારા ખોદાયેલા ઊંડા ખાડાઓ જોવા મળે છે. આ ઉપરાંત નીલગાય, જંગલી બળદ, સેંકડો જાતના પક્ષીઓ જોવા મળે છે. અહીં દીપડાઓ પણ છાશવારે જોવા મળે છે.  ડાયમંડ માઇનિંગ માટે રોજ લાખો લિટર પાણીની જરૂરત પડશે. એક એવું અનુમાન છે કે અહીં રોજ 16,050 ક્યુબીક મીટર પાણીની જરૂરત ઉભી થશે. સૌથી આંચકાજનક બાબત તો એ છે કે, પ્રોજેક્ટ જે દિવસથી શરૂ થશે એ પછી એકધારો 14 વર્ષ સુધી ચાલશે. રાજ્ય સરકાર જંગલ કાપવાને બદલે 10 લાખ વૃક્ષો વાવવાની વાત કરી રહી છે, પરંતુ શું આ વૃક્ષ એમને એમ વવાઈ જશે ? તેમને પણ પાણીની જરૂર છે. સૌથી મોટો મુદ્દો એ છે કે સમગ્ર બુંદેલખંડ પ્રદેશમાં પાણીની તીવ્ર અછત છે અને લોકોને ડર છે કે છેવટે માઇનિંગ માટે ભૂગર્ભજળનો ઉપયોગ મોટાપાયે થઈ શકે છે. આવા સંજોગોમાં સ્થાનિકો માટે મોટુ જળસંકટ ઉભુ થવાના દહેશત છે.
લાંબા સમયથી બક્સવાહા જંગલોમાં પર્યાવરણીય સંરક્ષણ માટે કાર્યરત એક પર્યાવર્ણવાદીનું કહેવું છે કે, જો આપણે આ વિસ્તારને પાણીના દૃષ્ટિકોણથી જોઈએ તો તેને સેમી ક્રિટીકલ વિસ્તાર તરીકે જાહેર કરાયો છે.  આ પ્રોજેક્ટમાં 60 લાખ લિટર પાણીનો ઉપયોગ થવાનો છે, જેના માટે ગેલ નદી પર ડેમ બનાવવામાં આવી રહ્યો છે. આ કુદરતી નદી પર ડેમ બનાવીને તેને વાળવામાં આવશે તો નદી જ સુકાઈને ખતમ થઈ જશે. તેમણે વધુમાં કહ્યું, આ પ્રોજેક્ટમાં 2 લાખ 15 હજાર 875 વૃક્ષો કાપવા પડશે, જેના કારણે અહીંના ઘણા ઝરણા ખતમ થઈ જશે અને પાણીની ભારે અછત સર્જાશે.  હજારો પ્રાણીઓ સાથે ઘણા આદિવાસીઓ પણ સેંકડો વર્ષોથી આ જંગલમાં રહે છે અને હવે તેઓ વિસ્થાપનથી ડરે છે. 
હાલમાં એક્સેલ માઇનિંગને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ સામે કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અનેક કેસોની સુનાવણી ચાલી રહી છે. ખાણકામ કરવાનું છે કે નહીં તે કોર્ટના નિર્ણય પર આધાર રાખે છે. આ પ્રોજેક્ટ સામે ઘણા અરજદારોમાં પૈકીના નેહા સિંધ થોડા મહિના પહેલા કોવિડ -19થી સ્વસ્થ થયાં છે.  બક્સવાહામાં ખાણકામ વિરૂદ્ધ એનજીટીમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીની વાત થાય તે પહેલા જ તેમણે કહ્યું કે, કોવિડ પછી મને સ્વચ્છ હવા અને ઓક્સિજનના મહત્વ વિશે વધુ સમજાયું છે.  જોકે, એનજીટીએ પહેલેથી જ એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે કે માનવ કબર પર ઔદ્યોગિક વિકાસ ન હોઈ શકે. આ જંગલોમાં કંઈક એવું પણ છે કે જો તે સમાપ્ત થશે તો તે કાયમ માટે સમાપ્ત થઈ જશે. દેખીતી રીતે જો મોટાપાયે ખાણકામ કરશે તો આખું જંગલ સાફ થઈ શકે છે. ભારતના પુરાતત્વ વિભાગનો જણાવ્યા અનુસાર, બક્સવાહાના જંગલોને અડીને આવેલી ગુફાઓ ઉપર મળેલા ચિત્રો 25,000 વર્ષ જૂના હોઈ શકે છે.
પ્રાસંગિક: ધવલ શુક્લ