મહારાષ્ટ્રના તટીય ક્ષેત્રો સાથે 'નિસર્ગ' વાવાઝોડાની અથડામણ, અનેક સ્થળે ભારે પવન સાથે વરસાદ

June 03, 2020

નવી દિલ્હી : નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના તટીય ક્ષેત્રો સાથે અથડાયું છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આ વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપથી મુંબઈના અલીબાગ કિનારે અથડાયું છે. વાવાઝોડાના કારણે મુંબઈના મોટા ભાગના ક્ષેત્રોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ મુંબઈ અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. 

નિસર્ગ વાવાઝોડું અલીબાગ કિનારે અથડાયું તેના કારણે તે ક્ષેત્રમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે લેન્ડફોલની સમાપ્તિ થતા ત્રણેક કલાક લાગશે તેવી આગાહી કરી છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક સ્થળે વૃક્ષો ધરાશયી થઈ ગયા છે તથા લોકોને ઘરમાં જ રહેવાની અને કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. 

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને બાંદ્રા-વર્લી સી લિન્ક પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 21 ટીમ તૈનાત કરવામાં આવી છે અને મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરીમાં ભારે વરસાદ હોવાથી લોકોને ઘરમાં રહેવા જણાવાયું છે. 

વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રના રત્નાગિરી ક્ષેત્રમાં દરિયામાં ઉંચી લહેરો ઉઠી રહી છે અને દરિયા કિનારે બાંધવામાં આવેલા જહાજો પણ હલી રહ્યા છે. વાવાઝોડું અથડાયું તેના પહેલા જ હવામાન વિભાગે હાઈ ટાઈડની અને છ ફૂટના મોજા મુંબઈને ભીંજવશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. જોકે લોકોને પહેલેથી જ સુરક્ષિત સ્થળે ખસેડી લેવાયા હતા. વાવાઝોડાથી જાન-માલનું નુકસાન રોકવા પૂર્વ તૈયારી કરી દેવાઈ હતી અને મુંબઈમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. સાથે જ લોકોને પાર્કમાં કે દરિયા કિનારે ન જવા કહેવામાં આવ્યું હતું. 

મુંબઈ ઉપરાંત ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે અને તેનું ટ્રેલર અત્યારથી ચાલુ થઈ ગયું છે. અમદાવાદના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને નવસારી આસપાસના દરિયામાં ઉંચી ઉંચી લહેરો ઉઠવા લાગી છે. વલસાડ અને નવસારી જિલ્લા પ્રશાસને રાજ્યના તટીય ક્ષેત્રોના 47 જેટલા ગામોના 20,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ ચાલુ કરી દીધું છે.