બેંગ્લોર સામે હૈદરાબાદની શરણાગતિઃ ૧૦ રને વિજય

September 22, 2020

શારજાહઃ ઓપનર પડ્ડીકલ અને ડીવિલિયર્સે નોંધાવેલી આક્રમક અડધી સદી બાદ લેગ સ્પિનર ચહલે ૧૯ રનમાં ત્રણ વિકેટ ઝડપતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદને ૧૦ રનથી પરાજય આપીને આઇપીએલ ટી૨૦ ક્રિકેટ લીગમાં પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લોરની ટીમે પાંચ વિકેટે ૧૬૩ રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૫૩ રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. રનચેઝ કરનાર હૈદરાબાદની ટીમ એક સમયે ત્રણ વિકેટે ૧૨૧ રન બનાવીને વિજય તરફ આગળ વધી રહી હતી ત્યારે ચહલે એક જ ઓવરમાં બે વિકેટ ખેરવીને હૈદરાબાદના પતનની શરૂઆત કરી હતી. આરસીબી માટે ડીવિલિયર્સની ૨૦૦ સિક્સર પૂરી સાઉથ આફ્રિકન પ્લેયર ડીવિલિયર્સે ૩૦ બોલમાં ૫૧ રનની ઇનિંગ્સ રમી હતી જેમાં ચાર બાઉન્ડ્રી અને બે સિક્સર સામેલ હતો. આ સાથે ડિવિલિયર્સે બેંગ્લોરની ટીમ માટે ૨૦૦ સિક્સર પૂરી કરવાની સિદ્ધિ મેળવી હતી. આઇપીએલમાં ડીવિલિયર્સની આ ૩૪મી અડધી સદી હતી.