રાહુલ ગાંધીએ કહ્યું- ભારતમાં લોકશાહી પર હુમલો:હું સંસદની અંદર હોઉં કે ન હોઉં, દેશ માટે લડતો રહીશ; જેલમાં જવાથી પણ ડરતો નથી

March 25, 2023

સુરતની કોર્ટ દ્વારા મોદી અટક અંગે માનહાનિના કેસમાં ર વર્ષની સજાનો સામનો કર્યા બાદ સાંસદ પદ ગુમાવી ચૂકેલા રાહુલ ગાંધી આજે પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે. તેમણે કહ્યું કે અદાણી અંગ મેં સંસદમાં સવાલો કર્યા હતા. તેના મેં પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. તેમ છતાં મારા સવાલોના જવાબો આપવામાં આવ્યા નથી. તેનાથી વિપરિત મને ધમકાવીને ચૂપ કરાવી દેવાનો પ્રયાસ કરાયો છે. અદાણીના મુદ્દા પરથી ફક્ત દેશનું ધ્યાન ભટકાવવા આ બધા ગતકડાં કરવામાં આવી રહ્યા છે. સંસદમાં મંત્રીઓએ મારા વિશે જુઠ્ઠાં નિવેદનો આપ્યા. મને મારી વાત રજૂ કરવાની તક પણ ન આપી. મેં સ્પીકર સાથે મુલાકાત કરી. તેમને પત્રો પણ લખ્યા. 

આ દેશના લોકતંત્ર પર આક્રમણ સમાન બાબત છે. તેમણે કહ્યું કે મને અયોગ્ય જાહેર કરીને પણ તમે ચુપ નહીં કરાવી શકો. મારા પર વિદેશમાં ઊંધી વાતો બોલવાના આરોપ મૂકી રહ્યા છો. તે ખોટું છે. હું સવાલો પૂછવાનું બંધ નહીં કરું. મને ધમકાવીને ચુપ નહીં કરાવી શકો. હું કોઈનાથી ડરતો નથી. તેમણે કહ્યું કે મોદી અને અદાણી વચ્ચે જૂના સંબંધો અને સાંઠગાંઠ છે. મોદી અદાણી વિશે કંઈ જ બોલતા કેમ નથી? અદાણી ગ્રૂપની અનેક કંપનીઓ ફેક છે. તેની કંપનીઓમાં કરાયેલું રોકાણ કોનું છે?