હું પાવર-હીટર નથી, પરંતુ કોહલી, સ્મિથની જેમ પ્રોપર ક્રિકેટિંગ શોટ્સ રમીને શોર્ટર ફોર્મેટમાં પણ સફળ થવાય જ છે: પૂજારા

April 04, 2021

ચેન્નઈ : ચેતેશ્વર પૂજારા ભારતીય ટેસ્ટ ટીમનો સૌથી મહત્ત્વપૂર્ણ બેટ્સમેન છે. તેની ક્રિઝ પર સમય પસાર કરવાની ક્ષમતાને લીધે ક્રિકેટ પંડિત અને ફેન્સ વોલ 2.0 કહીને પણ બોલાવે છે. જોકે, તેના લીધે જ પૂજારાને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લા કેટલાક સમયથી તક મળી રહી નહોતી. જોકે, IPL 2021ની સીઝન માટે ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ પૂજારાને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. સૌરાષ્ટ્રનો સાવજ હવે IPLમાં પણ પોતાની છાપ છોડવા તૈયાર છે.


પૂજારાએ ક્રિક ઇન્ફોને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સ્ટ્રાઇક રેટની વાત આવે તો હું સ્વીકારું છું કે હું પાવર-હીટર નથી. તમે વિરાટ કોહલી જેવા પ્લેયર પાસેથી ઘણું શીખી શકો છો. રોહિત શર્મા પ્યોરલી પાવર-હીટર નથી, એનો ટાઈમિંગ જોરદાર છે. ગેમમાં કદાચ જ કોઈનો ટાઈમિંગ રોહિત કરતા સારો હશે.


પૂજારાએ આગળ કહ્યું કે, તમેકોહલીની જેમ કેન વિલિયમ્સન અને સ્ટીવ સ્મિથનું પણ ઉદાહરણ લઈ શકો છો. એ બંને પણ પ્રોપર ક્રિકેટિંગ શોટ્સ રમે છે અને જરૂર પડે ત્યારે ઇનોવેટિવ થાય છે. મારું પણ એ જ માઈન્ડસેટ છે કે મારે શોર્ટર ફોર્મેટમાં સફળ થવું છે, જરૂર પડ્યે ઇનોવેટિવ પણ થઈશ, તે સાથે એ પણ માનું છું કે પ્રોપર ક્રિકેટિંગ શોટ્સ રમીને રન બનાવી શકાય છે.