મને સુપ્રીમ કોર્ટથી કોઈ આશા નથી બચીઃ કપિલ સિબલ

August 08, 2022

નવી દિલ્હી : રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબલે એક ખૂબ જ ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, 50 વર્ષ કોર્ટમાં પ્રેક્ટિસ કર્યા બાદ પણ તેમને સુપ્રીમ કોર્ટ પાસેથી કોઈ આશા નથી બચી. પીપલ્સ ટ્રિબ્યુનલના કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે, કોર્ટ દ્વારા કોઈ ઐતિહાસિક નિર્ણય ભલે પાસ થઈ જાય પરંતુ તેનાથી જમીની વાસ્તવિકતા કદાચ જ બદલાય છે. 

કપિલ સિબલે સુપ્રીમ કોર્ટના કેટલાક વર્તમાન નિર્ણયો મામલે પોતાની અસહમતિ નોંધાવીને તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ગુજરાતના રમખાણો મામલે અરજીકર્તા ઝાકિયા જાફરીની અરજી ફગાવાઈ તે સિવાય PMLAની જોગવાઈઓને યથાવત રાખવાના નિર્ણયની પણ ટીકા કરી હતી જેમાં ઈડીને વ્યાપક અધિકાર આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બંને કેસમાં કપિલ સિબલ અરજીકર્તાઓ તરફથી રજૂ થયા હતા. 

આ પણ વાંચોઃ ગુજરાતના રમખાણો મામલે PM મોદીને મળેલી ક્લીન ચિટ સામેની ઝાકિયા જાફરીની અરજી ફગાવાઈ

કપિલ સિબલે આઈપીસીની કલમ 377ને ગેરબંધારણીય જાહેર કરવાના નિર્ણયનું ઉદાહરણ આપીને કહ્યું કે, નિર્ણય સંભળાવાયા બાદ પણ જમીની વાસ્તવિકતા જૈસે થે બનેલી છે. સ્વતંત્રતા ત્યારે જ શક્ય બને જ્યારે આપણે આપણાં અધિકારો માટે ઉભા થઈને તે સ્વતંત્રતાની માંગણી કરીએ. રાજકીય રૂપે સંવેદનશીલ મુદ્દાઓ અમુક ન્યાયાધીશોને સોંપવામાં આવે છે અને પહેલેથી જ નિર્ણયની ભવિષ્યવાણી કરી શકાય છે. 

આ ઉપરાંત તેમણે PMLA અંગેના નિર્ણયનો ઉલ્લેખ કરીને ઈડી ખૂબ જ ખતરાનક બની ગયું છે અને તેણે વ્યક્તિગત સ્વતંત્રતાની સીમાઓનું ઉલ્લંઘન કર્યું છે તેવો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કપિલ સિબલે ગત મહિને ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરની ધરપકડ મામલે પણ કોર્ટના નિર્ણય સામે અસહમતિ દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે, વર્તમાન સમયમાં જે પણ કશું બન્યું તેના માટે સંસ્થાના અમુક સદસ્યોએ આપણને નિરાશ કર્યા અને હું મારૂં માથુ શરમથી નમાવુ છું.