‘હું બીજીવાર આવી ભૂલ નહીં કરું’ પેરિસ ઓલિમ્પિકની ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાનું નિવેદન

July 23, 2024

પેરિસ ઓલિમ્પિકને શરુ થવાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ ભારતીય એથ્લેટ સખત મહેનત કરી રહ્યા છે અને તેમની સૌની નજર ભારત માટે મેડલ જીતવા પર છે. ત્યારે મનિકાએ પેરિસ ઓલિમ્પિક વિશે નિવેદન આપ્યું છે કે, હું પેરિસ ગેમ્સમાં ટોક્યો જેવી ભૂલ નહીં કરું અને મેડલ કરતા એક સમયે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરીશ. ટેબલ ટેનિસ એવી રમતોમાં સામેલ છે જેમાં ભારતને તેનો પહેલો ઓલિમ્પિક મેડલ મળવાની આશા છે. ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાને ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવાનો અનુભવ છે.પરંતુ તે અગાઉ ટોક્યો ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી. ભારત પેરિસમાં ટેબલ ટેનિસની રમતમાં મજબૂત પડકાર રજૂ કરી શકે છે. ભારતીય મહિલા ટીમને પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન અપાવવામાં મનીકાની મહત્ત્વની ભૂમિકા રહેશે. ભારતીય ટેબલ ટેનિસ ટીમ પહેલી વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ છે. મનિકાએ જણાવ્યું હતું કે, ‘ઓલિમ્પિકમાં શરૂઆતના રાઉન્ડમાં મેડલ જીતવો મારી પ્રાથમિકતા નહી હોય. મેં ટોક્યો ઓલિમ્પિકના અનુભવમાંથી ઘણું શીખ્યું છે. મેં જે ભૂલો ત્યાં કરી હતી તેનું પુનરાવર્તન નહીં કરું. તે પછી મારી માનસિકતા બદલાઈ ગઈ છે. હું વધુ શાંત બની ગઈ છું અને હવે મને મારા ભરોસો વધ્યો છે. હું મારી શક્તિ અને ચપળતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી  છું. મારું વાસ્તવિક લક્ષ્ય મેડલ માટે પડકાર આપવાનું છે. પરંતુ હું ધીમે ધીમે આગળ વધીશ. હું એ સ્થાન પર પહોંચવાનો પ્રયાસ કરી રહી છું કે જ્યાં હું મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકું.' બત્રાએ આગળ જણાવ્યું હતું કે, ‘હું મેચ બાય મેચ આગળ વધીશ અને શરૂઆતમાં મેડલ વિશે વિચારીશ નહીં. હું મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગુ છું. ટેબલ ટેનિસ ટીમે પહેલી વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે, આ એક મોટી ઉપલબ્ધિ છે. હું ખૂબ જ ખુશ છું કે અમે કેમ્પમાં સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. મને લાગે છે કે અમારી પાસે આ વખતે મેડલ જીતવાની તક છે અને અમારે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું જોઈએ.’