ભારતમાં યોજાનારા વર્લ્ડકપ 2023 માટે સુપર લીગ ક્વોલિફિકેશનનો આઈસીસી દ્વારા પ્રારંભ

July 28, 2020

દુબઈઃ આઇસીસીએ વન-ડે સુપર લીગનો પ્રારંભ કર્યો છે જે ભારતમાં ૨૦૨૩માં યોજાનારા વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ છે. આઇસીસીનો લક્ષ્યાંક ૫૦-૫૦ ઓવર્સની ફોર્મેટને વધારે લોકપ્રિય બનાવવાનો છે. આઇસીસીએ જણાવ્યું હતું કે યજમાન ભારત અને સુપર લીગમાં ટોચના સ્થાને રહેનારી સાત ટીમો વર્લ્ડ કપ માટે સીધું ક્વોલિફાય કરશે. આઇસીસીના સંચાલન જનરલ મેનેજર જ્યોર્જ એર્ડિસે જણાવ્યું હતું કે આ લીગ આગામી ત્રણ વર્ષમાં વન-ડે ક્રિકેટને વધારે પ્રાસંગિક બનાવવાની સાથે લોકપ્રિય પણ બનાવશે કારણ કે આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનું ક્વોલિફિકેશન દાવ ઉપર રહેશે. સુપર લીગની શરૂઆત ૨૦૧૯ની વર્લ્ડ કપ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે રમાનારી શ્રેણીની સાથે થશે. બંને દેશ વચ્ચે વન-ડે શ્રેણી સાઉથમ્પ્ટન ખાતે ૩૦મી જુલાઈથી રમાશે. બાકીના કાર્યક્રમની જાહેરાત પાછળથી કરવામાં આવશે. સુપર લીગમાં પ્રત્યેક ટીમ ત્રણ મેચોની ચાર શ્રેણી હોમ (ઘરઆંગણે) તથા ચાર અવે (વિદેશમાં) રમશે. જે પાંચ ટીમો સુપર લીગ માટે સીધું ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહેશે તે ક્વોલિફાયર ૨૦૨૩માં પાંચ એસોસિયેટ ટીમો સાથે રમશે અને તેમાંથી બે ટીમો ભારતમાં રમાનારા ૧૦ ટીમોના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે.