કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીમાં ગેહલોત ઝૂકાવશે તો હું ઊભો રહીશ : થરૂર

September 20, 2022

દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગાંધી પરિવારના સભ્યોએ તો ચૂંટણીમાં ઝૂકાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તે પરિસ્થિતિમાં પક્ષના વરિષ્ટ નેતા શશી થરૂરે પક્ષનાં અંતરિમ પ્રમુખ સોનિયા ગાંધીને એમ કહ્યું હોવાનું જાણવા મળે છે કે જો રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત તે ચૂંટણીમાં ઝૂકાવશે અને જો પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી તેઓએ અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે તે ચૂંટણીમાં ઉભા નહીં રહે તો પોતે (થરૂર) ચોક્કસ ચૂંટણીમાં ઝૂકાવશે. તે અંગે સોનિયા ગાંધીએ થરૂરને એવી પણ ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે કે તેઓ તે સ્પર્ધામાં સંપૂર્ણ તટસ્થ રહેશે.
બીજી તરફ અશોક ગેહલોતે તેવી પણ આશા વ્યક્ત કરી હતી કે હજી પણ રાહુલ ગાંધીને પક્ષ પ્રમુખ પદની ચૂંટણીમાં ઉભા રહેવા સમજાવી શકાશે. ઉલ્લેખનીય છે કે ગેહલોતે આપેલી પુષ્ટિને લીધે જ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ પક્ષે રાહુલને પક્ષ પ્રમુખ પદ માટે ઊભા રહેવા વિનંતિ કરતો ઠરાવ પણ પસાર કર્યો હતો.


નિરાક્ષકો કહે છે કે સોનિયા ગાંધીએ જ્યારે તેમ કહ્યું કે તેઓ પક્ષ પ્રમુખની ચૂંટણી સંબંધે તટસ્થ રહેશે ત્યારે તેનું અર્થઘટન તે પણ થઇ શકે કે સમગ્ર ગાંધી પરિવાર તટસ્થ રહેશે. બીજી તરફ કોંગ્રેસ શાસિત રાજ્યોની વધુને વધુ પ્રદેશ કારોબારીઓ રાહુલને તે ચૂંટણી લડવા માટે પ્રસ્તાવો પસાર કરી રહી છે. જ્યારે થરૂરને સોનિયા ગાંધીને મળ્યા પછી એવું લાગ્યું છે કે તેઓ પણ મુક્ત અને તટસ્થ ચૂંટણીનાં મતનાં છે. સાથે તેઓ તેમ પણ માને છે કે જો સબળ સ્પર્ધા થાય તો તેથી પક્ષ પણ વધુ સબળ બની જ શકશે, તેમ પણ કેટલાક સભ્યો માને છે.


છેલ્લાં ૨૪ વર્ષથી કોંગ્રેસમાં પક્ષ પ્રમુખની ચૂંટણી યોજાઈ જ નથી. ૧૯૯૮માં સોનિયા ગાંધીએ પક્ષ પ્રમુખ પદ સ્વીકાર્યા પછી કોઇએ તે પરિસ્થિતિને પડકારી નથી.