જો નેન્સી પેલોસીએ તાઈવાનમાં પગ મુકયો તો..ધુંધવાયેલા ચીનની અમેરિકાને ફરી ધમકી

August 02, 2022

દિલ્હી- અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસી આજે સંભવિત રીતે તાઈવાનની મુલાકાત લેવાના છે અને તેને લઈને ચીન લાલચોળ છે. આ મુલાકાતનો વિરોધ કરી રહેલા ચીને ફરી ધમકી આપી છે કે, અમે ફરી અમેરિકાને ચેતવણી આપી રહ્યા છે કે, જો પેલોસીએ તાઈવાનમાં પગ મુક્યો તો ચીની સેના ચૂપ નહીં બેસે.પેલોસી છેલ્લા 25 વર્ષમાં તાઈવાનની મુલાકાત લેનાર અમે્રિકાના પહેલા ટોચના વ્યક્તિ હશે.બીજી તરફ ચીન તાઈવાનને પોતાના જ દેશનો એક હિસ્સો માને છે અને તેના કારણે તે સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતને વિરોધ કરી રહ્યુ છે.


એટલે સુધી કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગયા સપ્તાહે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને ફોન કરીને ધમકી આપી હતી કે, અમેરિકાએ તેના અસાધારણ પરિણામો ભોગવવા પડશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આજે ફરી કહ્યુ છે કે, અમારૂ વલણ બહુ સ્પષ્ટ છે.અમેરિકા સામે અમે નેન્સી પેલોસીની મુલાકાત અંગે વિરોધ નોંધાવ્યો છે .આમ છતા અમેરિકા પોતાનો નિર્ણય નહીં બદલે તો અમે અમારી સુરક્ષા અને સ્વાયત્તા માટે આકરા પગલા ભરીશું.


અમેરિકાના મીડિયાના કહેવા પ્રમાણે પેલોસી ચાર દેશોની યાત્રા કરવાની છે.આજે સાંજ સુધીમાં તે તાઈવાન પહોંચે તેવી શક્યતા છે. આ પહેલા તે સિંગાપુર પહોંચી ચુકયા છે. અન્ય બે દેશો મલેશિયા અને દક્ષિણ કોરિયાની પણ તે એક પ્રતિનિધિ મંડળને સાથે રાખીને મુલાકાત લેવાના છે.