PM મોદીનુ નામ જ પૂરતુ છે તો વારંવાર ગુજરાત કેમ જઈ રહ્યા છો?: ગેહલોત

November 27, 2022

- ગુજરાતમાં ભાજપ હારશે તો તેનું કારણ મોંઘવારી અને બેરોજગારી: ગેહલોત


નવી દિલ્હી- રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી મુલાકાતો પર સવાલ ઉઠાવ્યા છે અને કટાક્ષ કર્યો છે. સીએમ ગેહલોતે કહ્યું કે, પીએમ મોદીને વારંવાર ગુજરાતની મુલાકાત લેવાની શી જરૂર છે? ગેહલોતે કહ્યું કે, ભાજપ ડરી ગઈ છે. જ્યારે ભાજપ પોતાને એટલું શક્તિશાળી માને છે તો પીએમ મોદીને વારંવાર ગુજરાતમાં કેમ જવું પડે છે?' તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ હારશે તો તેનું કારણ મોંઘવારી અને બેરોજગારી હશે. ગેહલોતનું આ નિવેદન પીએમ મોદીની ગુજરાતમાં ત્રણ રેલીના એક દિવસ પહેલા આવ્યું છે.


સીએમ ગેહલોતે એવા સમયે પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે જ્યારે તેઓ રાજસ્થાનમાં કોંગ્રેસની કથિત આંતરિક લડાઈ સામે લડી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગેહલોત અને પાયલોટ જૂથો વચ્ચેનો સંઘર્ષ અટકવાનો નથી. ગેહલોત અને પાયલોટ એકબીજા પર ટિપ્પણી કરતા જોવા મળે છે. તાજેતરની ટિપ્પણીમાં મુખ્યમંત્રીએ પાયલોટને ગદ્દાર પણ કહ્યા હતા.