સંયુક્ત રાષ્ટ્રમાં જો બાઈડેને પોતાનું વિદાય ભાષણ આપ્યું, ભારતના કર્યા વખાણ

September 25, 2024

જગત જમાદાર એવા અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં મંગળવારે પોતાનું અંતિમ ભાષણ આપ્યું હતું. આ દરમ્યાન તેઓએ મધ્ય-પૂર્વમાં ચાલુ તણાવ અને ભારત સહિત વિશ્વ ભરના દેશોમાં થયેલી ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. બાઈડેને પોતાના ભાષણમાં ચીનને કડક સંદેશ આપતા જણાવ્યું કે તેઓ ઈન્ડો-પેસિફિકમાં ગઠબંધન અને ભાગીદારીને મજબૂત કરવા યથાવત્ રહેશે.

જો બાઈડેને યુનોમાં જણાવ્યું કે, અમેરિકાએ દુનિયાની મદદ કરવાથી પાછળ પાની ન કરવી જોઈએ. બાઈડેને લેબેનોનમાં ઈઝરાયલ અને હિઝબુલ્લાની વચ્ચે ઘર્ષણને પૂર્ણ યુદ્ધમાં તબદિલ થવાના ખતરા અને ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયલના સૈન્ય અભિયાનના આશરે એક વર્ષ પૂર્ણ થવાની વચ્ચે આ ટિપ્પણી કરી હતી.

તેમના સંબોધનમાં, બાઈડેને પશ્ચિમ એશિયામાં સંઘર્ષ અને સુદાનમાં 17 મહિના લાંબા ગૃહયુદ્ધને સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ફેબ્રુઆરી-2022થી રશિયાના આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેન માટે યુએસ અને તેના પશ્ચિમી સહયોગીઓના સંપૂર્ણ ટેકાને પણ રેખાંકિત કર્યું હતું.

બાઈડેને કહ્યું, "મેં ઇતિહાસમાં નોંધપાત્ર પરિવર્તન જોયું છે. હું જાણું છું કે જ્યારે ઘણા લોકો આજે વિશ્વ તરફ જુએ છે, ત્યારે તેઓ સમસ્યાઓ જુએ છે અને તેઓ નિરાશા સાથે પ્રતિક્રિયા આપે છે, પરંતુ હું તેમ કરતો નથી. જ્યારે વિશ્વ "સાથે મળીને કામ કરે છે, ત્યારે આપણે આપણે વિચારીએ છીએ તેના કરતા વધુ મજબૂત છે."