સ્થિતિ નહીં સુધરે તો અાઠમ, ઈદ, નવરાત્રિ નહીં ઉજવાય : રૃપાણી

July 29, 2020

રાજકોટ, વડોદરાઃ કોરોનાની કપરી સ્થિતિમાં બકરી ઈદ, જન્માષ્ટમી, ગણેશોત્સવ, સંવત્સરી, ભાદરવી પૂનમ જેવા તહેવારોના મેળાવડા-સમારંભો ન યોજવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકો, સમાજોને સ્વંયભૂ આગળ આવવા અપીલ કરી છે. રાજકોટ અને વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મૂલાકાત દરમિયાન ઓગસ્ટમાં પણ હાલના સમયની જેમ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ રહેશે. તેમ કહેતા મુખ્યમંત્રી રૂપાણીએ તાજિયા જૂલૂસ પણ યોજાશે નહી અને સ્થિતિ ન સુધરી તો નવરાત્રિ પણ નહી ઊજવાય તેમ સ્પષ્ટપણે કહ્યુ હતુ. રાજકોટમાં વધતા કેસો સામે CMએ બમણાં ટેસ્ટિંગ કરવાની સાથે કોરોના માટે ૨૫૦૦ બેડની નવી હોસ્પિટલ ઊભી કરવા તેમજ અમદાવાદની જેમ સુપર સ્પ્રેડર્સને શોધવા શાકભાજી સહિતના ફેરિયાઓના ટેસ્ટ ડ્રાઈવ કરવાનો નિર્ણય કર્યો હતો. વડોદરા-રાજકોટને CM રિલિફ ફંડમાંથી રૂ.૫-૫ કરોડ આપવાની જાહેરાત કરી હતી.
રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી રૂપાણીએ ‘મંત્રી મંડળના વિસ્તરણની કોઈ વાત જ નથી’ એમ સ્પષ્ટપણે કહેતા તમામ રાજકીય અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકાયુ છે.