અમેરિકામાં ટ્રમ્પ પ્રમુખ બનશે તો 1 કરોડ ઘૂસણખોરોને તગેડી મૂકાશે

July 26, 2024

ન્યૂ યોર્ક ઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદે વસી ગયેલા લોકોને હાંકી કાઢવાની હાકલ સ્પષ્ટ શબ્દોમાં કરતા રહ્યા છે. 2016માં તેઓ પહેલીવાર અમેરિકાના પ્રમુખ બન્યા ત્યાર પછી એમણે એ દિશામાં નોંધપાત્ર પ્રયાસ પણ કર્યા હતા. જ્યાંથી સૌથી મોટી માત્રામાં ઘૂસણખોરી થાય છે એવી મેક્સિકોની સરહદે એમણે ઊંચી દીવાલ પણ બનાવી દીધી હતી અને કડક પહેરેદારી પણ ગોઠવી દીધી હતી. હવે, 2024ની ચૂંટણીમાં પ્રમુખપદ મેળવવાની સ્પર્ધામાં ટ્રમ્પ સૌથી આગળ હોવાથી ફરી એમના નામનો ખૌફ ઘૂસણખોરોમાં ફેલાઈ ગયો છે. લોકોને ડર છે કે આધુનિક ટેક્નોલોજી અને AI ના ઉપયોગ થકી ગેરકાયદે વસતા નાગરિકોને પકડી લેવામાં આવશે અને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ધકેલી દેવામાં આવશે.


સર્વેલન્સ’ અને AI-સંચાલિત ડેટા એકત્ર’ કરવાની સિસ્ટમ અમેરિકામાં પહેલેથી જ અસ્તિત્વમાં છે. એનો ઉપયોગ યુ.એસ.માં ઇલ્લિગલ ઇમિગ્રન્ટ્સને લક્ષ્ય બનાવવા માટે થઈ શકે છે. ICE (ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) એજન્ટો સ્માર્ટ અલ્ગોરિધમ અને ડેટા બ્રોકર્સનો ઉપયોગ કરીને ઘૂસણખોરોને ટ્રેક કરી શકે છે. એમના વાહનોની નંબર પ્લેટ તથા જાહેર સ્થળે મૂકેલ કૅમેરામાં ઝીલાતા એમના ચહેરાના ‘ફેસિયલ રેકગ્નિશન’ થકી એમની ઓળખાણ મેળવી શકે છે. નાગરિકો દ્વારા ચૂકવાતા નાનામાં નાના ખરીદી-બિલ પરથી પણ એમને ટ્રેક કરી શકાય, એવા હાઇટેક ટૂલ્સ અમેરિકા પાસે છે. હવે તો દરેક ક્ષેત્રની જેમ આ ક્ષેત્રમાં પણ AI નો પગપેસારો થયો હોવાથી એના થકી પણ કોઈપણ નાગરિકનો ‘થપ્પો’ મારી શકાય એમ છે. અમેરિકામાં કાયમી વસવાટ માટે કરાયેલ અરજીઓમાંથી પણ કોણ કોણ ગેરકાયદે ઘૂસ્યું છે, એનો પત્તો લગાવાશે.